ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસમાં સગાંવાદ અને નાણાકીય દુરુપયોગનો સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ (VC) ડો. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન આચરવામાં આવેલી કથિત અનિયમિતતાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ પબ્લિક ડોમેઇનમાં ચોંકાવનારા દસ્તાવેજો અને આક્ષેપો મૂક્યા છે.

પૂર્વ VC નીરજા ગુપ્તા સામે ABVP ના ગંભીર આક્ષેપો

ABVP ના અગ્રણીઓ અનુસાર, પૂર્વ VC નીરજા ગુપ્તાએ પોતાના શાસનકાળ દરમિયાન યુનિવર્સિટીના વહીવટી અને નાણાકીય નિયમોને બાજુ પર મૂકીને છૂટા હાથે નાણાંની લ્હાણી કરી હતી. આ નિર્ણય અને ગેરકાયદે ભરતીઓના કારણે યુનિવર્સિટીની તિજોરીને રૂ. 10.93 કરોડનું જંગી નુકસાન વેઠવું પડ્યું છે.

લાખો રૂપિયાના પગાર અને 6 ગણી સેલેરીનો વિવાદ

આક્ષેપોમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે પૂર્વ VC એ પોતાના માનીતા અને ગણતરીના લોકોને પ્રતિ માસ રૂ. 5-5 લાખ જેવા મસમોટા પગારે યુનિવર્સિટીના વિવિધ હોદ્દાઓ પર ગોઠવી દીધા હતા. આટલું જ નહીં, પોતાના પતિના સાથી કર્મચારીને મૂળ સેલેરી કરતા સીધી 6 ગણી વધુ સેલેરી ચૂકવીને સરકારી/યુનિવર્સિટી ફંડનો ભારે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો દાવો કરાયો છે.આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં કરવામાં આવેલી કાયમી તેમ જ કામચલાઉ ભરતીઓ, આઉટસોસિંગ કોન્ટ્રાક્ટ્સ, અને બિનજરૂરી ખર્ચાઓમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના કાગળો રજૂ કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીએ બનાવી તપાસ કમિટી

ABVP ના આક્રમક વિરોધ અને કરોડો રૂપિયાના નાણાકીય નુકસાનના ગંભીર આરોપોને પગલે ગુજરાત યુનિવર્સિટી પ્રશાસને તાકીદની બેઠક બોલાવી હતી. યુનિવર્સિટી દ્વારા પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના સમયગાળા દરમિયાન થયેલાં તમામ ચુકવણાં, નિમણૂકો અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક નિષ્પક્ષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીનો અહેવાલ આવ્યા બાદ આગળની કાયદાકીય અને પ્રોટોકોલ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Kheda: મહુધાના સાપલા ગામમાં ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકીનું મોત, સાપલા ગામમાં આરોગ્ય વિભાગનો સર્વે શરૂ