રાજ્યની સૌથી જૂની અને નામાંકિત ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની લેબોરેટરીને લઈને નવો વિવાદ વકર્યો છે. M.Sc. કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓએ જાન્યુઆરી 2026 માં યોગ્ય લેબ સુવિધા ન હોવા અંગે તંત્રને આકરી ફરિયાદ કરી હતી. આ રજૂઆતના પગલે માર્ચ મહિનામાં કેમિસ્ટ્રી વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં જૂની લેબને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, જૂની લેબ તોડી પાડ્યા બાદ નવી લેબનું કામ યોગ્ય રીતે આગળ ન વધતાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
8 લાખનો ખર્ચ કરવા છતાં કામગીરી અધૂરી
વિભાગીય સ્તરેથી મળેલી વિગતો અનુસાર, કેમિસ્ટ્રી વિભાગ દ્વારા પોતાના ફંડમાંથી અંદાજે 8 લાખ રૂપિયા જેટલી રકમનો ખર્ચ આ લેબોરેટરીના કામકાજ પાછળ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં, યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગ તરફથી જરૂરી વધારાનું ફંડ ન ફાળવવામાં આવતાં હાલ નવી લેબમાં બારીઓ લગાડવી, ડ્રેનેજ સિસ્ટમ ગોઠવવી અને ઇલેક્ટ્રિસિટી (વીજળી) નું પાયાનું કામ સંપૂર્ણપણે અધૂરું રહી ગયું છે. પ્રાથમિક સુવિધાઓ વિનાની આ અધૂરી લેબના કારણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કાર્ય કરી શકતા નથી.
