ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાંથી દારૂની તસ્કરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે હિંમતનગર નજીક આવેલા સુરજપુરા સ્ટેશન પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂથી ભરેલી એક કારને આંતરી લીધી હતી. બુટલેગરો દ્વારા પોલીસની નજર ચૂકવીને ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો કારસો રચવામાં આવ્યો હતો, પરંતુ SMC ની સતર્કતાથી આ આખો પ્લાન નિષ્ફળ ગયો છે.
રૂપિયા 7.70 લાખનો વિદેશી દારૂ જપ્ત
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ કાર ભિલોડા તરફથી આવી રહી હતી. કારની તલાશી લેતાં તેમાંથી રૂપિયા 7.70 લાખની મસમોટી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMC ની ટીમે મુદામાલ સાથે કારચાલક સહિત બે આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો રાણી બોર્ડરથી ક્રોસ કરાવીને પ્રાંતિજ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.
