રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ, સંશોધકો તેમજ હોસ્ટેલમાં રહેતા છાત્રો માટે મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં પાયાની સુવિધાઓને લગતી સમસ્યાઓના ઝડપી, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત નિરાકરણ માટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એક અત્યાધુનિક સમર્પિત મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આગામી 1 ડિસેમ્બરથી આ ડિજિટલ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે વિધિવત ખુલ્લી મૂકવામાં આવશે. આ પહેલથી વિદ્યાર્થીઓને નાની-મોટી સુવિધાઓ માટે એસ્ટેટ શાખા કે વહીવટી કચેરીઓના ટેબલોના ધક્કા ખાવામાંથી કાયમી છુટકારો મળશે.

ગુજરાત યુનિવર્સિટી ફરિયાદ એપ

 ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા તમામ 60 જેટલા અનુસ્નાતક ભવનો (ડિપાર્ટમેન્ટ્સ), તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિની હોસ્ટેલ બ્લોક્સ તેમજ સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓને આ એપ સાથે સાંકળી લેવામાં આવી છે. ક્લાસરૂમ કે હોસ્ટેલમાં લાઈટ, પંખા, એર કંડિશનર (AC), પીવાનું પાણી, વોશરૂમની સફાઈ, લીકેજ કે લિફ્ટ બંધ હોવા જેવી રોજિંદી તમામ પ્રાથમિક સમસ્યાઓની ફરિયાદ આ પ્લેટફોર્મ પર નોંધાવી શકાશે. વિદ્યાર્થીઓએ હવે લાંબી અરજીઓ લખવાની જરૂર નહીં રહે; જે તે સ્થળ પર બંધ પડેલા ઉપકરણ કે ગંદકીનો લાઈવ ફોટો પાડીને એપમાં અપલોડ કરવાનો રહેશે, જેથી ચોક્કસ સ્થળ અને સમસ્યાની સાચી ઓળખ તુરંત થઈ શકે. સિસ્ટમ સરળતાથી કામ કરે તે માટે દરેક ભવન અને બ્લોક દીઠ અલગ બિલ્ડિંગ ઇન-ચાર્જ નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ સંબંધિત ફરિયાદ મળતાં જ ટેકનિશિયનોને કામ સોંપીને સમયમર્યાદામાં ઉકેલ લાવશે.

કુલપતિ સીધું કરશે મોનિટરિંગ

આ સમગ્ર એપ્લિકેશનનું ડેશબોર્ડ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની સીધી દેખરેખ હેઠળ રહેશે.કઈ ફરિયાદ કયા ભવનમાંથી આવી, તેના પર કેટલા સમયમાં કાર્યવાહી થઈ અને કેટલી ફરિયાદો પેન્ડિંગ છે તેનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કુલપતિ કાર્યાલયથી કરવામાં આવશે.ફરિયાદ ઉકેલાઈ ગયા બાદ વિદ્યાર્થીને એપ પર સ્ટેટસ અપડેટ મળશે અને ફીડબેક આપવાની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી કામગીરીમાં પારદર્શકતા અને જવાબદેહી સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો: Surat: ચૌટા બજારમાં હજારોની ભીડથી ધમધમતા ગીચ બજારમાં આગ લાગતાં ભાગદોડ; 6 ફાયર ફાઈટરો ધુમાડા વચ્ચે કૂદી પડ્યા!