દિવાળી અને ધનતેરસના તહેવારોને પગલે હજારો શહેરીજનોની ભીડથી ચિક્કાર ભરેલા સુરતના સૌથી જૂના અને અતિ ગીચ એવા ચૌટા બજાર વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળતાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચૌટા બજારમાં આવેલી એક ઈલેક્ટ્રિક સાધનોની દુકાનમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં ઈલેક્ટ્રિક વાયરો અને પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી જોતજોતામાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડવા લાગ્યા હતા, જેના કારણે સમગ્ર બજારમાં વેપારીઓ અને ખરીદી કરવા આવેલા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે ફાયર જવાનોનું શાનદાર ઓપરેશન
આગ લાગતાં જ સ્થાનિક વેપારીઓ દ્વારા તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ચૌટા બજારની સાંકડી ગલીઓ અને ભારે ભીડ વચ્ચે ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ 6 જેટલા ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચી મોરચો સંભાળ્યો હતો.
