દિવાળીના પાંચ દિવસીય મહાપર્વના પ્રારંભ સમાન ધનતેરસના પવિત્ર દિવસે સુરતના બુલિયન માર્કેટ અને જ્વેલર્સ શો-રૂમ્સમાં ખરીદીનો અભૂતપૂર્વ ધમધમાટ જોવા મળી રહ્યો છે. હિન્દુ શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર ધનતેરસના દિવસે સોના-ચાંદીની ધાતુ, વાસણો કે લક્ષ્મી-ગણેશજીના સિક્કા ખરીદવાને અત્યંત શુભ અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે. આ વખતે ધાર્મિક આસ્થાની સાથે સાથે બુલિયન માર્કેટ તરફથી પણ ગ્રાહકોને મોટો સુખદ આંચકો મળ્યો છે. તહેવારના મુખ્ય દિવસે જ સોના અને ચાંદીના વૈશ્વિક અને સ્થાનિક ભાવમાં નોંધપાત્ર કડાકો બોલાઈ જતાં સુરતી લાલાઓ વહેલી સવારથી જ શો-રૂમ્સ પર સોના-ચાંદીની ખરીદી માટે ઉમટી પડ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

 લગ્નસરા અને તહેવારો પૂર્વે સતત ઊંચકાઈ રહેલા સોનાના ભાવમાં ધનતેરસના દિવસે જ પ્રતિ 1 તોલાએ સીધો ₹2,500 નો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેના લીધે ખરીદારોમાં ભારે ઉત્સાહ છે.સામાન્ય અને મધ્યમ વર્ગ દ્વારા પૂજા માટે ખરીદાતી ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ દીઠ ₹5000 નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. સુરતના ઘોડદોડ રોડ, ભાગળ, ચોકબજાર, અડાજણ અને વરાછા સહિતના મુખ્ય જ્વેલરી હબમાં દુકાનો ખુલતાંની સાથે જ પરિવારો પહોંચી ગયા હતા. લોકો સોનાના હાર, ચેઈન, વીંટી તેમજ ચાંદીના સિક્કા અને પૂજાની થાળીઓની મોટાપાયે ખરીદી કરી રહ્યા છે.બજારના નિષ્ણાતોના મતે તહેવારના દિવસે જ ભાવ ગગડતાં ઘરેણાં પહેરવાના શોખીનો ઉપરાંત લાંબાગાળાનું રોકાણ કરવા માગતા રોકાણકારો માટે સોવરિન ગોલ્ડ અને બાર ખરીદવાની આ શ્રેષ્ઠ સુવર્ણ તક બની ગઈ છે.

કરોડોના ટર્નઓવરની આશા

સુરત જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ભાવ વધારાના કારણે ગ્રાહકો થોડી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે અચાનક ભાવ ગગડતાં અને ધનતેરસનું ઉત્તમ મુહૂર્ત હોવાથી બપોર પછી અને સાંજના સમયે શો-રૂમ્સમાં ભારે ધસારો રહેવાની શક્યતા છે.ગ્રાહકોની સુવિધા માટે મોટાભાગના જ્વેલર્સે ટોકન સિસ્ટમ અને વધારાના કાઉન્ટરો ઊભા કર્યા છે, જેથી ભીડ વચ્ચે પણ મુહૂર્તમાં ખરીદી સરળતાથી સંપન્ન થઈ શકે.

આ પણ વાંચો: Vadodara: દિવાળી પૂર્વે ST ડેપો પર મુસાફરોનો મહાસાગર; 100 એક્સ્ટ્રા બસો છતાં દાહોદ-પંચમહાલ રૂટ હાઉસફુલ