ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોની પરીક્ષા વ્યવસ્થા સંદર્ભે મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે.યુનિવર્સિટીના સત્તાવાર સમયપત્રક અનુસાર અગાઉ 22મી ઓક્ટોબરથી આયોજિત થનારી વિવિધ મહત્વની પરીક્ષાઓ હવે 27મી ઓક્ટોબરથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા સાથે અંદાજે દોઢથી બે લાખ જેટલા વિદ્યાર્થીઓ સીધી રીતે જોડાયેલા છે.યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષા તંત્રની તૈયારીઓ અને પરીક્ષા ફોર્મ ભરવાની વહીવટી પ્રક્રિયાના કારણે આ તારીખો પાછી ઠેલવવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. 

આ તમામ પરીક્ષાઓ હવે 25મી નવેમ્બર પછી જ શરૂ થઈ શકે

નવા કાર્યક્રમ મુજબ 27મી ઓક્ટોબરથી આઈએમબીએ, બીપીએ, ઈન્ટિગ્રેટેડ એમએસસી તેમજ એમબીએ સપ્લાય ચેન મેનેજમેન્ટના સેમેસ્ટર-1, સેમેસ્ટર-3, સેમેસ્ટર-5, સેમેસ્ટર-7 અને સેમેસ્ટર-9ની પરીક્ષાઓ યોજવામાં આવશે.અગાઉ આ તમામ કોર્સની પરીક્ષાઓ 22મી ઓક્ટોબરે લેવાનું આયોજન કરાયું હતું,પરંતુ તંત્રની આંતરિક તૈયારીઓના લીધે તેમાં ફેરફાર કરવો પડ્યો છે.બીજી બાજુ,નવેમ્બર માસમાં યોજાનારી પરીક્ષાઓના સમયપત્રક પર પણ મોટી અસર થવાની શક્યતા સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 12મી નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓ દિવાળી વેકેશનના કારણે નિર્ધારિત સમયે લેવાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ પરીક્ષાઓ હવે 25મી નવેમ્બર પછી જ શરૂ થાય તેવી પ્રબળ અટકળો વહેતી થઈ છે.

સમયપત્રકમાં વ્યાપક ફેરફારો જોવા મળશે

અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે 18મી નવેમ્બરથી વિવિધ વિષયોની પરીક્ષાઓ ગોઠવવામાં આવી છે. જેમાં ઈન્ટિગ્રેટેડ MSC માઈક્રોબાયોલોજી, એઆઈઆઈએમએલ, ડેટા સાયન્સ,કમ્પ્યુટર સાયન્સ,ફાર્માસ્યુટિકલ,ફૂડ સિક્યુરિટી,એમબીએ,બીએ ડ્રામા ફાઈન આર્ટ્સ અને ઈન્ટિગ્રેટેડ બીપીએ-એમપીએ કોર્સના સેમેસ્ટર-3,સેમેસ્ટર-5, સેમેસ્ટર-7 અને સેમેસ્ટર-9ની પરીક્ષાઓનો સમાવેશ થાય છે.જોકે દિવાળી વેકેશનની રજાઓના કારણે 18મી નવેમ્બરથી આયોજિત આ તમામ અભ્યાસક્રમોની પરીક્ષાઓ પણ પોતાના નિયત સમયપત્રક પ્રમાણે શરૂ થવાને બદલે ૨૫મી નવેમ્બર પછી જ યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.ઓક્ટોબર મહિનાની પરીક્ષાઓ પાછી ઠેલાવાની સાથે સાથે નવેમ્બર મહિનાની પરીક્ષાઓ પણ દિવાળીના તહેવારો અને વેકેશનના પરિણામે આગળ ધકેલાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, જેના લીધે હજારો પરીક્ષાર્થીઓના સમયપત્રકમાં વ્યાપક ફેરફારો જોવા મળશે.

આ પણ વાંચોઃ Ahmedabad: 21 ઓક્ટોબર પોલીસ સંભારણા દિવસ, શહીદ જવાનોના શૌર્ય અને બલિદાનને યાદ કરવાનો અવસર