રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્ય માટે આકરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત વરસાદના આંકડાની વાત કરીએ તો સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં રાજ્યના કુલ 129 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 11 ઈંચ ખાબક્યો છે. આ ઉપરાંત વલસાડ શહેરમાં 9 ઈંચ, પારડીમાં 8.7 ઈંચ અને ખેરગામમાં 8.6 ઈંચ જેટલો ભારે વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે.
વલસાડ અને નવસારીમાં શાળાઓમાં રજા જાહેર
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, સુરતના પલસાણામાં 6.1 ઈંચ અને વલસાડના કપરાડામાં 6.02 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ નવસારીના ગણદેવીમાં 5.83 ઈંચ, ચીખલીમાં 5.75 ઈંચ, વલસાડના નાનાપોંઢામાં 5.28 ઈંચ, સુરતના બારડોલીમાં 5.16 ઈંચ અને મહુવામાં 5.08 ઈંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આવતીકાલે વલસાડ અને નવસારીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
