ગુજરાતમાં પવિત્ર ભાદરવા માસ દરમિયાન પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના સ્ટેટ બુલેટિન અનુસાર, 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયગાળા માટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગનું સૌથી મોટું એલર્ટ

વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર સહિત 9 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં તીવ્ર પવન સાથે મુશળધાર વરસાદ વરસી શકે છે, જેના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની શક્યતા સેવાઈ રહી છે.

WhatsApp Image 2026-09-12 at 7.39.35 PM

રાજ્યમાં ભારે તોફાન અને વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યના અન્ય વિસ્તારોને પણ એલર્ટ પર રાખ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા-નગર હવેલી સહિત 17 જિલ્લા અને વિસ્તારોમાં 'ઓરેન્જ એલર્ટ' આપીને અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

9 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ

બીજી તરફ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ માં 'યલો એલર્ટ' સાથે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. જોકે, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો હજુ પણ સાર્વત્રિક અને વધુ સારા ધમાકેદાર વરસાદની વાટ જોઈ રહ્યા છે. વાવાઝોડા જેવા પવન અને વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mehsana: લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે SPG આક્રમક; લાલજી પટેલે સરકારના વચનને ગણાવ્યું "લોલીપોપ"