રાજ્યમાં ધીમે ધીમે હવે ઠંડીની શરુઆત થઇ ગઇ છે. ખાસ કરીને મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. રાજ્યમાં મોટાભાગના સ્થળો પર લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે અને તેથી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.


ઠંડીનું આગમન થઇ ચુક્યું

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ઘણા સ્થળો પર સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ બુધવારે જોવા મળ્યું હતું જે દર્શાવે છે કે ઠંડીનું આગમન થઇ ચુક્યું છે.

 ધુમ્મસભર્યુ વાતાવરણ

અરવલ્લી જિલ્લામાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે રસ્તાઓ પર ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબલીટી ઘટી જતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી.

 ગોંડલમાં હિલ સ્ટેશન જેવો નજારો

તો આ તરફ રાજકોટના ગોંડલમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો કારણ કે ગોંડલમાં વહેલી સવારથી જ ઝાકળનું સામ્રાજ્ય છવાયું હતું અને ધુમ્મસના કારણે વિઝિબીલીટીમાં ઘટાડો થયો હતો

 વિઝિબલીટી ઘટી ગઇ

છોટાઉદેપુર જિલ્લામાં પણ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠંડી અનુભવાઇ રહી છે. ધુમ્મસભર્યા વાતાવરણને લઈ વિઝિબલીટી ઘટી ગઇ હતી. ધુમ્મસભર્યા વતાવરણથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.

 પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ છવાયું હતું જેથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવામાનની આગાહી પ્રમાણે પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે અને તેના કારણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં અમદાવાદ,ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે. 

  • Follow us on: