ગુજરાતમાંથી ચોમાસું હવે સત્તાવાર રીતે વિદાય લઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ચોમાસાની વિદાયના તબક્કે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણપશ્ચિમના પવનો ફૂંકાયા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં દક્ષિણપશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. વરસાદનું પ્રમાણ ઘટતાં અને પવનોની દિશા બદલાતાં જ રાજ્યભરમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી રહેવાની ધારણા છે, જેના કારણે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ થશે.

