રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ લાલ આંખ કરી છે. મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ 93 જેટલા ખાદ્ય ધંધાર્થીઓને ત્યાં અચાનક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન માનવ શરીરસ્વાસ્થ્ય માટે હાનિકારક એવો 115 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતાં તેનો તાત્કાલિક સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક બાદ સિવિલ હોસ્પિટલની કેન્ટીન પર ત્રાટકી ટીમ
ઉલ્લેખનીય છે કે, ગત 26 સપ્ટેમ્બરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ગંભીર ઘટના સામે આવી હતી. જે બાદ 27 સપ્ટેમ્બરના રોજ સંદેશ ન્યૂઝની ટીમે સિવિલ હોસ્પિટલના કિચનમાં જઈને રિયાલિટી ચેક કરતા ત્યાંથી વાસી બટેટા અને અસ્વચ્છતા જોવા મળી હતી. સંદેશ ન્યૂઝના આ અહેવાલની ગંભીર નોંધ લઈને આરોગ્ય શાખાની ટીમે સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કેન્ટીનમાંથી 6 વિવિધ ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા અને હાઈજીન (સ્વચ્છતા) જાળવવા બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી હતી.
