ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને આયોજનના અભાવનો મામલો સામે આવ્યો છે. સરકારની સૂચનાથી ખેલ મહાકુંભની તારીખોમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરી દેવાતાં વહેલી સવારે ઇણાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચેલા સેંકડો ખેલાડીઓ અને તેમના વાલીઓ રઝળી પડ્યા હતા. તારીખ બદલાયા અંગેની પૂરતી જાણકારી ન મળતાં દૂર-દૂરથી આવેલા સ્પર્ધકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ઊના અને કોડીનારથી વહેલી સવારે નીકળેલા ખેલાડીઓને ધક્કો
બનાવની વિગત મુજબ, ઊના અને કોડીનાર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી ખેલાડીઓ તેમના વાલીઓ સાથે વહેલી સવારે 5 વાગ્યાથી નીકળીને ઇણાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. પરંતુ સ્થળ પર પહોંચ્યા બાદ તેમને જાણવા મળ્યું હતું કે સ્પર્ધાની તારીખો બદલાઈ ગઈ છે અને આજે કોઈ સ્પર્ધા યોજાવાની નથી. વાલી ચેતનભાઈ વૈષ્ણવે ગંભીર આક્ષેપ કર્યો હતો કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મુખ્ય ગેટ બહાર પણ તારીખ બદલાયા અંગેનું કોઈ નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યું નહોતું. આવી ગંભીર ક્ષતિ ફરી ન થાય તે માટે વાલીઓએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
