ગુજરાત રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આજે રાત્રે 11 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ સમયગાળા દરમિયાન 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડવાની પ્રબળ સંભાવના છે, જેને લઈને તંત્રએ સત્તાવાર એલર્ટ જાહેર કર્યું છે.


આ મહાનગરો અને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગની આ આગાહીમાં રાજ્યના મોટા શહેરો પણ બાકાત નથી. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં પણ ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, નવસારી, ડાંગ, નર્મદા અને તાપીમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. વલસાડ, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ ગુજરાતમાં પણ મેઘ મહેરની ચેતવણી

ફક્ત દક્ષિણ કે મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ ગુજરાતના વિસ્તારો માટે પણ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે પૂર્વ અને ઉત્તર ગુજરાત પંથકના દાહોદ, મહિસાગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ તૂટી પડે તેવી આગાહી છે. ખરાબ વાતાવરણ વચ્ચે સ્થાનિકો અને વાહનચાલકોને સુરક્ષિત સ્થાને રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Dahod News: ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જુઓ Video



  • Follow us on: