ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં માનવતાવાદી અભિગમ અપનાવીને જૂનાગઢની 13 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ મામલે હાઇકોર્ટે સગીરાના હિતમાં તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવાનો કડક નિર્દેશ આપ્યો છે.સગીરાની નાની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તબીબોની વિશેષ પેનલ રચવાનો આદેશ આપ્યો છે. 


ગાયનેકોલોજિસ્ટની એક ખાસ ટીમ બનાવવા સૂચના

કોર્ટે જણાવ્યું છે કે આ સમગ્ર ગર્ભપાતની પ્રક્રિયા માટે 3 સિનિયર ગાયનેકોલોજિસ્ટની એક ખાસ ટીમ બનાવવામાં આવે જે પીડિતાની સુરક્ષાની સંપૂર્ણ દેખરેખ રાખશે. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટાંક્યું હતું કે, અમારા માટે સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ સૌથી પહેલી પ્રાથમિકતા છે. આ ઉંમરે ગર્ભધારણ સગીરાના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર આઘાત સમાન છે. જેથી તેને વધુ પીડામાંથી મુક્તિ આપવી અનિવાર્ય છે.

દુષ્કર્મનો રહેલો ગર્ભ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન

હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, પીડિતાને દુષ્કર્મનો રહેલો ગર્ભ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન છે. આ મામલો જૂનાગઢ જિલ્લાનો છે જ્યાં આ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. પીડિતા ગર્ભવતી બનતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં હાઇકોર્ટે ત્વરિત ન્યાયિક નિર્ણય લઈને પીડિત પરિવારને મોટી રાહત આપી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી


  • Follow us on: