રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ દળના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી આવતી કાનૂની ગડમથલનો અંત આવતા પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
PSI વિભાગીય બઢતી પ્રક્રિયાને મળી લીલી ઝંડી
હાઇકોર્ટના આ ચુકાદા સાથે જ PSIની વિભાગીય બઢતી પ્રક્રિયાને અંતે લીલી ઝંડી મળી ગઈ છે. અગાઉ કાનૂની પ્રક્રિયાઓના કારણે આ બઢતી પ્રક્રિયા અટવાયેલી હતી, પરંતુ હવે હાઇકોર્ટની મંજૂરી મળતા રાજ્યમાં PSI ની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરાશે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે.
બઢતીના નિયમોને પડકારતી અરજી કોર્ટે ફગાવી
આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં PSI બઢતી માટેના નિયમોને પડકારવામાં આવ્યા હતા, અને પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આ અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે પ્રમોશન માટે લેવાનારી પરીક્ષામાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.
આશરે 1800 જેટલા પોલીસ કર્મચારીઓને મળશે મોટી રાહત
ગુજરાત હાઇકોર્ટના આ આદેશથી રાજ્યના અંદાજિત 1800 જેટલા પોલીસ કર્મચારીઓને સીધી રાહત મળી છે. ખાતાકીય પરીક્ષા અને બઢતીની રાહ જોઈને બેઠેલા આ કર્મચારીઓ માટે પ્રમોશનના દ્વાર ખુલી ગયા છે. વિભાગીય પ્રક્રિયા આગળ વધતા હવે વર્ષોથી ફરજ બજાવતા લાયક ઉમેદવારોને PSI તરીકે બઢતી મેળવવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે.
આ પણ વાંચો - Gujarat News: ભારે વરસાદને કારણે સુરત, નવસારી અને તાપીમાં સ્કૂલોમાં રજા અપાઈ