અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન ઐતિહાસિક 'MJ લાઇબ્રેરી' આજે માત્ર પુસ્તકોનું સંગ્રહસ્થાન નથી રહ્યું, પરંતુ સમાજના દરેક વર્ગ માટે અનોખી સંવેદના, પ્રેરણા અને જ્ઞાનનું જીવંત કેન્દ્ર બની રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત આ લાઇબ્રેરીમાં બે એવા મહત્વના અને વિશેષ વિભાગો કાર્યરત છે, જેણે વાંચન પ્રેમીઓનું દિલ જીતી લીધું છે. એક તરફ ડિજિટલ યુગમાં બાળકોને પુસ્તકો તરફ આકર્ષતો અદ્યતન ચિલ્ડ્રન વિભાગ છે, તો બીજી તરફ પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો માટે આશીર્વાદરૂપ 'ઓડિયો લાઇબ્રેરી' અંધકારમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી રહી છે.

પ્રજ્ઞાચક્ષુઓ માટે આશીર્વાદરૂપ 'ઓડિયો લાઇબ્રેરી'

કોણે કહ્યું કે આંખો ન હોય તો વાંચનનો શોખ પૂરો ન થઈ શકે? આંખોની દ્રષ્ટિ ન હોવા છતાં જો વાંચન અને જ્ઞાન મેળવવાની ધગશ હોય, તો MJ લાઇબ્રેરીની 'ઓડિયો લાઇબ્રેરી' તે શોખ અચૂક પૂરો કરે છે. પુસ્તકો ભલે વાંચી ન શકાય, પરંતુ પુસ્તકનું જ્ઞાન સાંભળીને તો મેળવી જ શકાય છે આવા જ ઉમદા આશય સાથે શરૂ થયેલી આ ઓડિયો લાઇબ્રેરી દ્રષ્ટિહીન લોકો માટે આશાનું કિરણ બની છે.

ઓડિયો લાઇબ્રેરી દ્રષ્ટિહીન લોકો માટે આશાનું કિરણ

આ વિભાગમાં અલગ-અલગ વિષયોના હજારો શૈક્ષણિક, સાહિત્યિક અને કારકિર્દીના ઘડતર માટેના તમામ મહત્વના પુસ્તકો રેકોર્ડેડ ઓડિયો ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જેને સાંભળીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સરળતાથી જ્ઞાન મેળવી રહ્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓથી લઈને જીવનના દરેક ક્ષેત્રમાં પોતાના સપના સાકાર કરી રહ્યા છે.

બાળકોને પુસ્તકો તરફ વાળતો આધુનિક 'ચિલ્ડ્રન સેક્શન'

વર્તમાન ડિજિટલ યુગમાં ઘરમાં મોબાઈલ, લેપટોપ અને વીડિયો ગેમમાં વ્યસ્ત રહેતા બાળકોના વાલીઓ માટે MJ લાઇબ્રેરીનો 'ચિલ્ડ્રન સેક્શન' એક ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે. બાળકો મોબાઈલની દુનિયાથી દૂર રહીને નાની ઉંમરે જ પુસ્તકો સાથે દોસ્તી કરે તે માટે અહીં અત્યંત આધુનિક ચિલ્ડ્રન વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે.

કલ્પનાશીલતા વિકસાવવાનું ધામ બની રહ્યું 

આ રંગબેરંગી વિભાગ બાળકો માટે માત્ર અભ્યાસનું કેન્દ્ર જ નહીં, પરંતુ તેમની કલ્પનાશીલતા વિકસાવવાનું ધામ બની રહ્યું છે. અહીં બાળકો માટે તમામ પ્રકારની રસપ્રદ વાર્તાઓની ચોપડીઓ, શૈક્ષણિક રમકડાં અને બાળકોને ગમે તેવી આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના કારણે બાળકો હોંશે-હોંશે લાઇબ્રેરીમાં આવીને વાંચન તરફ વળી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: દિવાળીમાં મુસાફરોના ધસારાથી સરકારી તિજોરી છલકાઈ, એસટી નિગમને ₹40.94 કરોડ તો રેલવેને ₹108.42 કરોડની રેકોર્ડબ્રેક આવક