અમદાવાદના એક મહત્ત્વપૂર્ણ NDPS (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ) કેસમાં સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને કડક સજા ફટકારી છે. કોર્ટે ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના આ ગંભીર ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને 15-15 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત, પ્રત્યેક આરોપીને રૂપિયા 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે ડ્રગ્સના નેટવર્ક સામે કાયદાની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપે છે.
2019માં કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે, જ્યારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ચેકિંગ દરમિયાન એક કારમાંથી આ ત્રણેય આરોપીઓ ઝડપાયા હતા અને તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કોર્ટે જે આરોપીઓને સજા ફટકારી છે તેમાં રમેશ રાઠોડ, અઝરૂદ્દીન શેખ અને બાબુ કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસને મજબૂત રીતે રજૂ કરવા માટે 20થી વધુ પુરાવા અને મહત્ત્વના સાક્ષીઓની જુબાની કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.













