અમદાવાદના વિકાસની ગુલબાંગો વચ્ચે હવે ચોમાસાની પણ રાહ જોયા વિના, ભરશિયાળે વગર વરસાદે જમીન ફાટવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ઓઢવ રિંગ રોડ પર અચાનક મસમોટો ભૂવો પડતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના પોપડા ફરી એકવાર ઉખડીને બહાર આવ્યા છે. રસ્તાની વચ્ચોવચ પડેલા આ 'વિકાસના ખાડા'ને કારણે ત્યાંથી પસાર થતા હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે, જાણે તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની જ રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

24 કલાક બાદ પણ માત્ર 'બેરીકેટિંગ'નું નાટક, તંત્ર ઘોર નિદ્રામાં

ઘટનાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં, જવાબદાર અધિકારીઓએ ભૂવો પૂરવાની તસ્દી લેવાને બદલે માત્ર આસપાસ પતરાં અને બેરીકેટિંગ ગોઠવીને પોતાની ફરજ પૂરી થયાનો સંતોષ માની લીધો છે. આ ભૂવામાં સતત માટી ધસી રહી હોવાથી તે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જે આસપાસના વાહનચાલકો માટે મોતનો કૂવો સાબિત થઈ શકે છે. તંત્રની આ 'બેરીકેટિંગ થેરાપી' જોઈને લાગે છે કે AMC પાસે રિપેરિંગ માટે બજેટ કે સમય નથી, બસ પતરાં મૂકીને પ્રજાને પોતાની સુરક્ષા જાતે કરી લેવા છોડી દેવામાં આવી છે.


સ્થાનિકોમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ

સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા AMCમાં વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને રિપેરિંગની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. 'સ્માર્ટ સિટી'ના નામે ટેક્સ ઉઘરાવવામાં શૂરા તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે આ ભૂવાનું સમારકામ નહીં થાય અને કોઈ નિર્દોષ નાગરિક તેનો ભોગ બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી આ આળસુ તંત્રની રહેશે તેવી ઉગ્ર લાગણી પ્રજામાં પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો : Narmada News : બસની એંગલમાં ગળું ફસાયું અને શ્વાસ રૂંધાવા લાગ્યો, ફાયર બ્રિગેડની ટીમે પાર પાડ્યું દિલધડક રેસ્ક્યુ?