નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એક મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક લક્ઝરી બસમાં અચાનક એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે બસના ડ્રાઈવરનું ગળું બસની લોખંડની એંગલમાં ફસાઈ ગયું હતું. ડ્રાઈવરનું ગળું એંગલમાં ફસાઈ જતાં તેનો જીવ જોખમમાં મુકાયો હતો અને બસમાં સવાર પ્રવાસીઓમાં પણ ભારે ગભરાટ તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હેવી કટરથી એંગલ કાપી ફાયર બ્રિગેડે પાર પાડ્યું દિલધડક રેસ્ક્યુ

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ફાયર બ્રિગેડના જવાનોએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના બચાવ કામગીરી શરૂ કરી હતી. ડ્રાઈવરને કોઈ ગંભીર ઈજા ન પહોંચે તેની ખાસ તકેદારી રાખીને જવાનોએ હેવી કટરની મદદથી બસની લોખંડની એંગલ કાપી હતી. ભારે જહેમત અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

તમામ પ્રવાસીઓને અન્ય બસમાં સુરક્ષિત રીતે ખસેડાયા

પોલીસ અને ફાયર વિભાગની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો અને એક મોટી જાનહાનિ ટળી હતી. બીજી તરફ, અટવાયેલા પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરીને તમામ પ્રવાસીઓને અન્ય બસમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોની આ બહાદુરીભરી કામગીરીની સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Accident News : BHMSના પદવીદાન સમારંભની ખુશી માતમમાં ફેરવાઈ! ઓડી કારની ટક્કરે ખેડબ્રહ્માની માતા-પુત્રીનાં મોત