ખેડબ્રહ્મા શહેરના નવી ચાંપલપુર વસાહતમાં રહેતા નિવૃત્ત કર્મચારી વસંતભાઈ મૂળશંકર દીક્ષિતના પરિવાર માટે ખુશીનો પ્રસંગ અચાનક ગમગીનીમાં ફેરવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, વસંતભાઈની પુત્રી અર્ચનાબેનનો પુત્ર BHMS પાસ થતાં તેના પદવીદાન સમારંભમાં હાજરી આપવા માટે વસંતભાઈના પત્ની નયનાબેન, પુત્ર વિકાસ, પુત્રી અર્ચનાબેન તથા જમાઈ અશ્વિનકુમાર સહિતનો પરિવાર ગયો હતો. સમારંભ પૂર્ણ થયા બાદ ગઈકાલે તારીખ 27-11-2026 ના રોજ રાત્રે 10 વાગ્યે પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ચોટીલા પાસે આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી.

આપાગીગાના ઓટલે પ્રસાદ લેવા રોડ ક્રોસ કરતા ઓડી કારે ત્રણેયને ફંગોળ્યા

પરત ફરતી વખતે પરિવારના સભ્યો ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલે રોડ ક્રોસ કરીને પ્રસાદ લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઓડી (Audi) કારે રોડ ક્રોસ કરી રહેલા ત્રણેય સભ્યોને જોરદાર ટક્કર મારી ફંગોળ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે માતા નયનાબેન અને પુત્રી અર્ચનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે નયનાબેનના પુત્ર વિકાસને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ચોટીલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખેડબ્રહ્મા શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી

પદવીદાન સમારંભની ઉજવણી કરીને પરત ફરી રહેલા પરિવાર સાથે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાના સમાચાર ખેડબ્રહ્મા ખાતે પહોંચતા જ સમગ્ર નવી ચાંપલપુર વસાહત અને શહેરમાં ગમગીનીનું મોજું ફરી વળ્યું હતું. એક જ પરિવારના માતા અને પુત્રીના અકાળે અવસાનથી સગા-સંબંધીઓ અને બ્રાહ્મણ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર ઓડી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : India News : વન્યજીવ તસ્કરી સામે DRIનો સપાટો! મહારાષ્ટ્રમાં બે ઓપરેશનમાં 6 શિકારીઓ અને તસ્કરો ઝડપાયા