દેશભરમાં વન્યજીવોની ગેરકાયદે તસ્કરી સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 2 અલગ-અલગ ઓપરેશન દરમિયાન કુલ 6 શિકારીઓ અને વન્યજીવ તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રથમ કાર્યવાહીમાં પુણે નજીક ઇન્દ્રાયણી નદી પાસે કાર્તિક પૂર્ણિમાના મેળા દરમિયાન DRIએ બાતમીના આધારે દરોડો પાડી કિંગ કોબ્રાનું શંકાસ્પદ 2 લીટર ઝેર જપ્ત કર્યું હતું. આ મામલે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સહિત 3 શખ્સોની ધરપકડ કરીને ઝેરના ગેરકાયદે વેપાર અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

નવી મુંબઈ અને પનવેલમાં વન્યજીવ અંગોના નેટવર્કનો પર્દાફાશ

બીજા ઓપરેશનમાં DRIની ટીમે નવી મુંબઈ અને પનવેલ વિસ્તારમાં વન્યજીવોના અંગો વેચવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન વાઘ, દીપડો અને ચિત્તાની 3 ચામડી જપ્ત કરવામાં આવી છે, સાથે જ એક એર રાઇફલ પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં દીપડાની ચામડી પર ગોળીનું નિશાન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જે શિકારની ઘટના તરફ ઈશારો કરે છે. ઉલ્લેખનીય છે કે કિંગ કોબ્રા, વાઘ, દીપડો અને ચિત્તા વન્યજીવ સંરક્ષણ કાયદાની શેડ્યૂલ-1માં સમાવિષ્ટ અત્યંત સંરક્ષિત પ્રજાતિઓ છે.

મુદ્દામાલ મહારાષ્ટ્ર વન વિભાગને સોંપાયો, વધુ તપાસ જારી

બંને ઓપરેશનમાં ઝડપાયેલા શંકાસ્પદ ઝેર, વન્યજીવની ચામડી, એર રાઇફલ અને અન્ય મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહારાષ્ટ્ર વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. વન વિભાગ અને DRI દ્વારા ઝડપાયેલા 6 આરોપીઓની પૂછપરછ કરીને આ તસ્કરીના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે અને વન્યજીવોના અંગો કે ઝેર ક્યાં સપ્લાય કરવામાં આવતા હતા, તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Bhavnagar SOGની હાઈ-ટેક કાર્યવાહી! ડ્રોન ઉડાડી બગદાણાના દેગવડા ગામે વાડીમાંથી ઝડપ્યું ગાંજાનું વાવેતર