ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નશાના ગેરકાયદે કારોબાર સામે મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, ભાવનગર SOGની ટીમને બગદાણા પંથકના દેગવડા ગામે ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે સીધા દરોડા પાડવાને બદલે વિસ્તારમાં ડ્રોન ઉડાડીને આકાશી સર્વેલન્સ હાથ ધર્યું હતું. ડ્રોન કેમેરાની મદદથી વાડી વિસ્તારમાં છુપાવીને કરવામાં આવેલા ગાંજાના વાવેતરનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યું હતું.
12.760 કિલો લીલા ગાંજાના 104 છોડ સાથે 50 વર્ષીય શખ્સ ઝડપાયો
ડ્રોન દ્વારા ચોક્કસ પુરાવા મળ્યા બાદ SOGની ટીમે દેગવડા ગામે આવેલી હકાભાઈ ભીખાભાઈ ગોહિલની વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વાડીમાંથી લીલા ગાંજાના કુલ 104 નંગ છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 12.760 કિલોગ્રામ જેટલું થવા જાય છે. પોલીસે સ્થળ પરથી ગાંજાનું ગેરકાયદે વાવેતર કરનાર 50 વર્ષીય આરોપી હકાભાઈ ભીખાભાઈ ગોહિલની ધરપકડ કરી લીધી છે.
