સુરતવાસીઓની લાંબી આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે, કારણ કે આગામી 15 દિવસમાં શહેરના રસ્તાઓ પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળશે. પ્રાથમિક તબક્કે આ આકર્ષક ડબલ ડેકર બસ અઠવાલાઈન્સથી ડુમ્મસ રોડના રૂટ પર દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનો અને પ્રવાસીઓ માટે ડબલ ડેકર બસની મુસાફરી એક નવો અને રોમાંચક અનુભવ બની રહેશે. તંત્ર દ્વારા બસ સેવા શરૂ કરવા માટેની તમામ પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગાંધીનગરથી સર્ટિફિકેટ આવ્યા બાદ RTO પાસિંગ અને લોકાર્પણ થશે
ડબલ ડેકર બસને સત્તાવાર રીતે રસ્તા પર ઉતારતા પહેલા જરૂરી કાયદાકીય અને ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરથી જરૂરી સર્ટિફિકેટ આવ્યા બાદ બસની રજિસ્ટ્રેશન અને RTO પાસિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ બસનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ નાગરિકો માટે સત્તાવાર રીતે સેવા શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં સુવિધાનો વ્યાપ વધારવા માટે કેબલ બ્રિજ સહિત શહેરના અન્ય મુખ્ય રૂટ પર પણ બસ દોડાવવા અંગે સર્વેની કામગીરી ચાલી રહી છે.
