અમદાવાદમાં 10 ઓક્ટોબરને શનિવારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે નારોલ-વિશાલા નેશનલ હાઈવે ઉપર પીપળજ-પીરાણા રોડ પાસે ખુલ્લી એક ગટરમાં પ્રજ્ઞાચક્ષુ મનીષા નામની નવ વર્ષની દીકરી અજાણતાં પડી જાય છે.આ ઘટનાના નવ દિવસ પછી જે ગટરમાં મનીષા પડી હતી તે ગટર ઉપર ઢાંકણું મૂકી દઈ આજુબાજુ માટી પાથરી દેવામાં આવી છે.દરેક ઘટનામાં સ્થળ ઉપર દોડી જતા શહેરના મેયર,ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પહેલા દિવસે પબ્લિસિટી લેવા ઘટનાસ્થળે પહોંચ્યા પછી ક્યારેય કામગીરી જોવા માટે પણ પહોંચ્યા નહોતા એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.બીજી તરફ પીરાણા પાસેથી માનવ અવશેષો મળી આવતા તે આ બાળકીના હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.
કપડામાં લપેટેલી હાલતમાં એક શંકાસ્પદ વસ્તુ દેખાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે પીરાણામાં ડ્રેનેજ નિકાલ પોઇન્ટ નજીક કપડામાં લપેટેલી હાલતમાં એક શંકાસ્પદ વસ્તુ સ્થાનિક લોકોના નજરે પડી હતી.આ બાબત સામે આવતાં જ જાગૃત સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી.માહિતી મળતાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને ડ્રેનેજમાંથી કપડું બહાર કાઢી તપાસ હાથ ધરી હતી.જેમાં માનવ અવશેષો મળી આવ્યા હતા.ડ્રેનેજમાંથી માનવ અવશેષો બહાર કાઢ્યા બાદ ફાયર વિભાગ દ્વારા તુરંત જ પોલીસને સમગ્ર વિગતોથી વાકેફ કરવામાં આવી હતી.
