અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે.એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 5.368 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે.પકડાયેલો આરોપી થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

એરપોર્ટ પર તૈનાત સુરક્ષા એજન્સીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે આ મુસાફરને અટકાવ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી.ત્યારબાદ જ્યારે તેની ટ્રોલી બેગની ઝીણવટભરી તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી કાળા કલરની પોલિથિનમાં ખૂબ જ ચાલાકીપૂર્વક પેક કરીને છુપાવેલા પાંચ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તેની બેગમાં લિંબુ પણ ભરેલા હતાં. 

ટ્રોલી બેગમાં પાંચ કાળા પેકેટ છુપાવ્યા હતા

કસ્ટમ્સ વિભાગની ટીમે જ્યારે ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા આ જપ્ત કરાયેલા પદાર્થની તપાસ કરી ત્યારે તે ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું હતું.આ ગેરકાયદેસર નશીલા પદાર્થની હેરાફેરી બદલ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે અમદાવાદ કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Surat News: સુરતમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો તે કુદરતનો કહેર છે એમાં કોઈ શું કરી શકે: સાંસદ મુકેશ દલાલ