સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી વિનાશક સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલઆગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વરસાદ રોકાયાના બે દિવસ બાદ પણ શહેરમાંથી પાણી કેમ નથી ઓસર્યા, તે મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓ પર અત્યંત ગુસ્સે થયા હતા અને તેમનો જોરદાર ઉધડો લીધો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે તંત્રની નબળી પ્રિ-મોન્સૂન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
આ તો કુદરતનો કહેર છે તેમાં કોઈ શું કરી શકે: મુકેશ દલાલ
સુરતના ભાજપના સાંસદ મુકેશ દલાલે આ પૂરને લઈને કહ્યું હતું કે, આ તો કુદરતનો કહેર છે તેમાં કોઈ શું કરી શકે. શહેરમાં 18 ઈંચ વરસાદ થયો છે એટલે આ સ્થિતિ ઉદ્ભવી છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં આગામી પગલાં અંગે ચર્ચાઓ કરાઈ છે. બીજી તરફ ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું હતું કે, શહેરમાં 18 ઈંચ વરસાદ પડવાથી હાલત વધારે ખરાબ થઈ છે. કોઈપણ સ્થિતિનું સમાધાન લાવીએ છીએ પણ આ વખતે વધુ વરસાદ ખાબક્યો છે. કોઈ પણ બેઠક ઔપચારિક નથી હોતી નિર્ણય લેવાય છે. લિંબાયતમાં જ્યાં પાણી ઓસરી ગયાં છે ત્યાં સફાઈ કામ પણ શરૂ કરી દેવાયું છે.
