‘રીલ જોઈને નિર્ણય ન લો. પ્રશ્ન પૂછો. કોઈ વાતને અધૂરી રીતે સમજીને વિરોધ કે નિર્ણય ન લો. એવું કામ કરો કે સિસ્ટમ હલી જવી જોઈએ’ મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ વહીવટીતંત્રના આયુક્ત તુકારામ મુંડેએ શનિવારે ગાંધીનગરમાં એક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ સાથેની ખુલ્લી ચર્ચા દરમિયાન યુવા પેઢીને આ પ્રકારે સંદેશ આપ્યો હતો. ખાદ્ય અને દવાઓની સલામતીથી લઈને પોતાની ફરજ, દબાણ, ધમકીઓ અને વ્યવસ્થામાં બદલાવ લાવવાની જરૂરિયાત સુધીના તમામ મુદ્દે તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધી અને ખુલ્લા મને વાત કરી હતી. 

નિર્ણય લેવાની ટેવ યુવાનોમાં હોવી જોઈએ

તુકારામ મુંડેએ કહ્યું કે કોઈ પણ મુદ્દે સોશિયલ મીડિયા પર જોવા મળતી માહિતીના આધારે તરત નિર્ણય લેવો યોગ્ય નથી. પ્રશ્ન પૂછવા, હકીકત જાણવાની અને પછી નિર્ણય લેવાની ટેવ યુવાનોમાં હોવી જોઈએ. દેશ અને સમાજની સ્થિતિ સુધારવા માટે માત્ર ટીકા કરવાથી નહીં, પરંતુ વ્યવસ્થામાં જવાબદારીપૂર્વક ભાગ લઈને પરિવર્તન લાવવાની જરૂર છે. નાગપુર પાલિકામાં તેઓ કમિશનર હતા તેમના વોર્ડમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થતાં ખૂબ દુઃખી થયા હતા. તેમને લાગ્યું કે 'શું મારી ફરજમાં ક્યાંક કચાસ રહી ગઈ?' આ વિચારને કારણે ત્રણ રાત-દિવસ સુધી ઊંઘ આવી ન હોવાનું જણાવ્યું હતું. 

તુકારામ મુંડે મહારાષ્ટ્ર

ઔષધની સલામતી અંગેનો અભ્યાસક્રમ સામેલ કરો

આજે પણ એ મૃતકનો ચહેરો તેમને યાદ હોવાનું જણાવ્યું હતું. શિક્ષણ વ્યવસ્થામાં ખોરાક અને ઔષધની સલામતી અંગેનો અભ્યાસક્રમ સામેલ કરવો જ જોઈએ. બાળકોને ખોરાક અંગેનું પ્રાથમિક શિક્ષણ ઘરથી જ મળવું જોઈએ. માત્ર સ્વાદિષ્ટ અને મસાલેદાર ખોરાકની પાછળ દોડવાને બદલે સલામત અને ધોરણસરનો ખોરાક પસંદ કરવાની ટેવ વિકસાવવાની તેમણે અપીલ કરી હતી. વર્ષ 2017માં તેમને મારી નાંખવાની ધમકી મળી હતી. દરોડા દરમિયાન હત્યાની લાયચ, બદલીની ધમકી મળતી છતાં તેઓએ ડર્યા વગર તેમનું કામ પ્રમાણિકતા, જવાબદારીથી કર્યું હતું.

મિત્રની જન્મદિવસની પાર્ટી બાદ બીજી દિવસે જ દરોડો

મુંડેએ એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો હતો. તેઓ એક મિત્રની જન્મદિવસની પાર્ટીમાં હોટલમાં ગયા હતા. ત્યાં લાઇસન્સ લગાવેલું ન હતું અને પનીર એનાલોગ હતું. વેઇટર ગ્રાહકોને સાદું પાણી કે મિનરલ વોટર વિશે પૂછતો હતો. પાણી મફતમાં જ આપવાનું હોય તો પછી આ પ્રશ્ન કેમ ? મિત્રનો જન્મદિવસ બગડે નહીં તે માટે તે દિવસે તેમણે કોઈ કાર્યવાહી કે વાંધો ઉઠાવ્યો નહોતો. પરંતુ બીજા જ દિવસે તેમણે તે હોટલમાં દરોડો પાડીને નિયમોના ભંગ બદલ હોટેલને સીલ કરી હતી.

જાણીતી વ્યક્તિએ કરેલી જાહેરાત સલામત ન માની શકાય

ખાદ્ય પદાર્થોની જાહેરાત અંગે પણ મુંડેએ યુવાનોને સાવચેત કર્યા હતા. તેમણે જણાવ્યું કે ટેલિવિઝન પર મોટી જાહેરાતોમાં કોઈ જાણીતી વ્યક્તિ દેખાય એટલે ગ્રાહકે તે ઉત્પાદનને આંખમીંચી સલામત કે યોગ્ય માની લેવું જોઈએ નહીં. ખાદ્ય પદાર્થ અંગે ખોટી કે ભ્રામક પ્રચાર કાયદાની દ્રષ્ટિએ ગંભીર બાબત છે. આવો પ્રચાર કરે તેને સ્ટાર ન કહો, તેમનું આ કામ અનૈતિક પણ છે અને ગેરકાયદે પણ છે.

‘મરીને જીવવું એના કરતા જીવીને મરવું સારું’

ધમકીઓ મળે છે તો તમને ડર નથી લાગતો ? આ પ્રશ્નના જવાબમાં મુંડેએ સામે પ્રશ્ન કર્યો હતો કે તમને કોનો ડર લાગે છે. જવાબ મળ્યો મોતથી...તે મુંડેએ જણાવ્યું કે તમે હાલ મરેલા જ છો.' મરીને જીવવું એના કરતા જીવીને મરવું સારું'


આ પણ વાંચોઃ Kachchh News : પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવાનો ડર બતાવી છાત્રા સાથે દુષ્કર્મ આચર્યું, સ્કૂલના આચાર્યની ધરપકડ