આગામી તહેવારોની સીઝન પહેલાં જ સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. બજારમાં ખાંડ અને ગોળના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં તહેવારો દરમિયાન મીઠાઈ સહિતની ખાદ્ય વસ્તુઓના ભાવ પર પણ અસર પડવાની શક્યતા વધી ગઈ છે. ખાંડના ભાવમાં ઉછાળો આવતાં હવે ગ્રાહકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે.

ગોળના ભાવમાં તેજી

આ મામલે રાજકોટના વેપારીએ જણાવ્યું હતું કે ગોળના ભાવમાં છેલ્લા બે મહિનાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. કોલ્હાપુરી ગોળનો ભાવ અગાઉ રૂ.55 પ્રતિ કિલો હતો, જે હવે રૂ.75થી 80 સુધી પહોંચી ગયો છે. દેશી ગોળ પણ રૂ.45થી વધીને રૂ.70 પ્રતિ કિલો થયો છે. દિવાળીથી હોળી દરમિયાન ગોળનું ઉત્પાદન થયા બાદ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી વેચાણ કરવામાં આવે છે. દેશી ગોળમાં ભાવની અસર નોંધપાત્ર છે

શેરડીના પાકનું ઉત્પાદન ઓછું

ભાવવધારા પાછળ શેરડીના પાકનું ઉત્પાદન મોડું થવું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ ખાંડના જથ્થાનો ઉપયોગ ઇથેનોલ ઉત્પાદન માટે પણ થતો હોવાથી બજારમાં ઉપલબ્ધતા પર અસર પડી હોવાનું સામે આવ્યું છે. પુરવઠા અને માંગ વચ્ચેનું સંતુલન ખોરવાતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Sugar and Jaggery Price Hike Before Festivals May Push Up Sweet Prices

15 દિવસની સ્ટોક મર્યાદા

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જથ્થાબંધ વેપારીઓ અને ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે 15 દિવસની સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે. જોકે, તહેવારોની સીઝન નજીક આવી રહી હોવાથી ખાંડ અને ગોળના વધેલા ભાવનો સીધો પ્રભાવ મીઠાઈના ભાવ પર પણ પડી શકે છે.

ગ્રાહકોનું બજેટ ખોરવાઈ શકે

તહેવારોમાં મીઠાઈ અને મીઠી વાનગીઓની માંગ વધતી હોય છે. ત્યારે ખાંડ અને ગોળના ભાવમાં આવેલા આ ઉછાળાને કારણે ગ્રાહકોનું બજેટ ખોરવાઈ શકે છે. આગામી દિવસોમાં પુરવઠાની સ્થિતિમાં સુધારો થાય છે કે ભાવમાં વધુ વધારો થાય છે તેના પર સૌની નજર રહેશે.  



આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?