ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે. ગેસની બોટલ અને ખાદ્ય તેલના ડબ્બાના વધી રહેલા ભાવને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે કોંગ્રેસના મોંઘવારી મુદ્દેના નિવેદનને લઈને ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં મોંઘવારીનો દર 18થી 20 ટકા રહેતો હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાં મોંઘવારીની શું સ્થિતિ હતી તે સૌ લોકો જાણે છે. 

મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મોંઘવારીના દર નિયંત્રણમાં છે

ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસની મનમોહનસિંહની સરકારના સમયમાં મોંઘવારી કેટલી હદે હતી તે સૌ લોકો જાણે છે. વર્ષ 2014 પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મોંઘવારીના દર નિયંત્રણમાં છે. વર્તમાન જિયોપોલિટિકલ પરિસ્થિતિના કારણે વિશ્વના જુદા-જુદા દેશોમાં મોંઘવારીની સ્થિતિ છે અને માલસામાનના સપ્લાયની શું સ્થિતિ છે તેનો અભ્યાસ ગુજરાતના કોંગ્રેસ પ્રમુખે કરવો જોઈએ.સરકારે સપ્લાય ચેઇન ન ખોરવાય જાય, ભાવ નિયંત્રણમાં રહે અને ભવિષ્યમાં પણ પુરવઠો જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કર્યું છે. કોંગ્રેસ નેતા એ જથ્થાબંધ ભાવ સૂચકાંક અને RPI છૂટક ભાવ સૂચકાંક વચ્ચેનો તફાવત જાણવો જોઈએ.

હાલની મોંઘવારીમાં વૈશ્વિક જિયોપોલિટિકલ પરિસ્થિતિ જવાબદાર 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, WPIમાં જે વધારો થયો છે તેની પાછળ વૈશ્વિક જિયોપોલિટિકલ પરિસ્થિતિ જવાબદાર છે.હોર્મુઝની પરિસ્થિતિને કારણે શિપિંગ ઇન્ડસ્ટ્રી પર આર્થિક બોજો વધ્યો છે. બીજી તરફ એનર્જી એટલે કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવમાં પણ વિવિધ સ્થળોએ વધારો થયો છે.આ પરિસ્થિતિમાં સરકારે જરૂરી પગલાં લીધાં છે અને આગોતરું આયોજન કરીને સપ્લાય જળવાઈ રહે તે માટે પ્રયાસ કર્યા છે.નાફેડ જેવી સંસ્થાઓ વેપારીઓને સબસિડીના ભાવે ટામેટાં, ડુંગળી અને લોટ ઉપલબ્ધ કરાવે છે. ખાદ્ય સામગ્રીની કોઈ અછત ઊભી ન થાય તે સરકારની પ્રાથમિકતા છે.દેશની વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોનો હેતુ દેશના સામાન્ય નાગરિકને મોંઘવારીની અસરથી બચાવવાનો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : મોટા ઉપાડે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શોભાના ગાંઠિયા સમાન! કરોડોના ખર્ચ છતાં સુવિધાઓ રામભરોસે