અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં આવેલી ઇન્ગ્રામ માઇક્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વેરહાઉસમાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો હતો. નવાપુરા ગામની સીમમાં આવેલા આ વેરહાઉસમાં 21 ઓક્ટોબરની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. એમેઝોન માટે વેરહાઉસિંગનું કામ સંભાળતી કંપનીના ગોડાઉનમાંથી આઇફોન, લેપટોપ, એપલ વોચ, આઈપેડ અને અન્ય ઇલેક્ટ્રોનિક એસેસરીઝ સહિત અંદાજે રૂ. 1 કરોડની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો. ચોરીની પદ્ધતિ પણ તસ્કરોએ અગાઉથી આયોજનબદ્ધ રીતે નક્કી કરી હતી.

ગૂગલ સર્ચ અને લીમડાના ઝાડ પરથી અંદર પ્રવેશવાની ચાલાક મોડસ ઓપરેન્ડી

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપીઓએ ગૂગલ પર સર્ચ કરીને વેરહાઉસનું લોકેશન શોધ્યું હતું. ત્યારબાદ 20 ઓક્ટોબરના રોજ સ્થળ પર જઈને રેકી કરવામાં આવી હતી અને બીજા દિવસે રાત્રે વેરહાઉસની પાછળ આવેલા ખેતર તરફથી પ્રવેશ કરાયો હતો. તસ્કરો લીમડાના ઝાડ પર ચઢીને દીવાલ ઉપરનું પતરું ખોલીને અંદર ઘૂસ્યા હતા અને લાખો રૂપિયાની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

250થી વધુ CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

આશરે 1 કરોડ રૂપિયાની ચોરીના આ ગંભીર ગુનાને ઉકેલવા માટે અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમોએ ઘટના સ્થળની આસપાસના તેમજ આવતા-જતા રસ્તાઓના 250થી વધુ CCTV ફૂટેજની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. આ ઉપરાંત વેરહાઉસના કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ અને શ્રમિકો સહિત 250થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સુધી લંબાવવામાં આવી હતી.


ખેડા-અમદાવાદ હાઇવે પરથી વોચ ગોઠવી પાંચેય આરોપીઓની ધરપકડ

દરમિયાન ચોરીનો મુદ્દામાલ અર્ટિગા કારમાં ભરીને આરોપીઓ રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ખેડા-અમદાવાદ હાઇવે પર વોચ ગોઠવીને પાંચેય આરોપીઓને ગુનામાં વપરાયેલી અર્ટિગા કાર અને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં માયા ઉર્ફે સંદીપ જયપ્રકાશ પટેલ, મોહમદ સમીમ, સુરેન્દ્રકુમાર પટેલ, આકાશ ચૌહાણ અને કમલેશગીરી ગોસ્વામીનો સમાવેશ થાય છે.

માસ્ટરમાઇન્ડના લગ્ન માટે રચાયું હતું પ્લાનિંગ અને માલ નેપાળમાં વેચવાની યોજના

આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી માયા ઉર્ફે સંદીપ પટેલના લગ્ન માટે નાણાં ભેગા કરવાના હેતુથી આ ચોરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોરીમાં મળેલી મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ નેપાળમાં વેચવાની તેમની યોજના હતી. પોલીસે આરોપીઓ પાસેથી 36 આઇફોન-17, 29 આઇફોન-16, 32 એપલ વોચ, 24 લેપટોપ, 19 એપલ કીબોર્ડ અને 2 આઈપેડ પ્રો સહિત કુલ રૂ. 89,22,989ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.


આંધ્રપ્રદેશમાં પણ અઢી કરોડની ચોરીમાં સંડોવાયેલી હતી આ જ કુખ્યાત ગેંગ

આ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, ઝડપાયેલા આરોપીઓ પૈકી માયા ઉર્ફે સંદીપ પટેલ અને સુરેન્દ્રકુમાર પટેલ અગાઉ આંધ્રપ્રદેશમાં પણ ઇન્ગ્રામ માઇક્રો ઇન્ડિયા કંપનીના વેરહાઉસમાંથી અંદાજે અઢી કરોડ રૂપિયાના એપલ મોબાઈલ અને એસેસરીઝની ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. હાલ પાંચેય આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસને સોંપવામાં આવ્યા છે, અને પોલીસ આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો: Ahmedabadના સારંગપુરમાં ડિમોલિશનનો ઉગ્ર વિરોધ, દુકાનદારોના ટોળાં એકત્ર થતાં AMCની કામગીરી અટકી!