અમદાવાદની આગવી ઓળખ અને શહેરી વિકાસના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે વિશ્વભરમાં જાણીતા બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં હવે ગ્લોબલ સ્પોર્ટ્સ એન્ડ એન્ડ્યુરન્સ ઇવેન્ટ્સ સેન્ટર તરીકેના વિકાસની નવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે.આગામી 14 ફેબ્રુઆરી 2027ના રોજ ગુજરાતમાં પ્રથમ વખત વિશ્વપ્રસિદ્ધ આયર્નમેન 70.3 અમદાવાદ ટ્રાયથ્લોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશ-વિદેશના એથ્લીટ્સ સાબરમતી નદીમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ કરશે.ગુજરાત પ્રવાસન વર્ષ 2026-27 અંતર્ગત યોજાનારી આ સ્પર્ધા સાબરમતી રિવરફ્રન્ટને સ્વિમિંગ સહિતની એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ માટેના આદર્શ સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

ગુજરાતમાં પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન

આયર્નમેન ગ્રુપ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.ભારતમાં એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ પ્રત્યે વધી રહેલા ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગોવા બાદ હવે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે.આ આયોજનથી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ માટે ઝડપથી વિકસી રહેલા દેશ તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે.આયર્નમેનના કન્ટ્રી હેડ દિપક રાજે ગઈકાલે અન્ય 12 એથ્લીટ્સની સાથે રહીને અટલ બ્રિજ પાસે સાબરમતી નદીમાં સ્વિમિંગ કર્યું હતું અને નદીના પાણીની ગુણવત્તા તથા અન્ય વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.આયર્નમેન 70.3 ઇવેન્ટ યોજવા અંગે ઉત્સાહ દર્શાવ્યો હતો. આયર્નમેન 70.3 વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટ્રાયથલોન સ્પર્ધાઓ પૈકીની એક છે.જેમાં એથ્લીટ્સની શારીરિક ક્ષમતા,સહનશક્તિ અને માનસિક દ્રઢતાની કસોટી થાય છે. 

ત્રણ રાઉન્ડમાં કુલ 90 કિલોમીટર સાઇકલિંગ કરશે

આ સ્પર્ધામાં એથ્લીટ્સે અનુક્રમે 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાઇકલિંગ અને 21.1 કિલોમીટર દોડ સહિત કુલ 113 કિલોમીટરનું અંતર પૂર્ણ કરવાનું રહેશે. અમદાવાદમાં યોજાનારી આ સ્પર્ધાના ત્રણેય તબક્કામાં સાબરમતી નદી અને રિવરફ્રન્ટ કેન્દ્રસ્થાને રહેશે.સ્પર્ધાનો પ્રારંભ 14 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યે સાબરમતી નદીમાં અટલ બ્રિજની નીચેથી સ્વિમિંગ સાથે થશે.એથ્લીટ્સ નદીમાં નિર્ધારિત રૂટ પર 1.9 કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે.સાબરમતી નદીમાં પાણીનો શાંત અને નહીંવત્ પ્રવાહ સ્વિમિંગ માટે અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવાની સંભાવના ધરાવે છે.સ્વિમિંગ પૂર્ણ કર્યા બાદ એથ્લીટ્સ શહેરના માર્ગો અને સાબરમતી રિવરફ્રન્ટને આવરી લેતા રૂટ પર 30 કિલોમીટરના ત્રણ રાઉન્ડમાં કુલ 90 કિલોમીટર સાઇકલિંગ કરશે. 

ત્રણ રાઉન્ડમાં કુલ 21.1 કિલોમીટરની દોડ પૂર્ણ કરશે 

સ્પર્ધાના અંતિમ તબક્કામાં એથ્લીટ્સ સાબરમતી રિવરફ્રન્ટના વૉકવે પર ત્રણ રાઉન્ડમાં કુલ 21.1 કિલોમીટરની દોડ પૂર્ણ કરશે અને અટલ બ્રિજ પરથી પસાર થઈને સ્પર્ધાના સમાપન સ્થળે પહોંચશે.સાબરમતી રિવરફ્રન્ટની રચના અને અહીં વિકસાવવામાં આવેલી સુવિધાઓનો રમતગમત ક્ષેત્રે વધુ વ્યાપક ઉપયોગ કરવાની દિશામાં આ સ્પર્ધા મહત્વપૂર્ણ બની રહેશે. રિવરફ્રન્ટ આજે વૉકિંગ, જોગિંગ, સાઇકલિંગ, બોટિંગ, મનોરંજન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમદાવાદીઓનું લોકપ્રિય સ્થળ બની ચૂક્યું છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરની એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજનથી અહીં ઓપન વોટર સ્વિમિંગ, ટ્રાયથ્લોન અને અન્ય સ્પોર્ટ્સ વિકસાવવાની નવી તકો ઊભી થશે. આ આયોજન સાબરમતી રિવરફ્રન્ટની ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવા માટે પણ એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

સ્પર્ધા અંગે વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે www.ironman.com/races/im703-amdavad વેબસાઇટની મુલાકાત લો.

આ પણ વાંચોઃ Delhi: ડિલિમિટેશન બિલ પર મોદી સરકારને શરદ પવારની NCPનું સમર્થન, રાહુલ ગાંધીને મોટો ઝટકો