કેન્દ્રની મોદી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવનારા ડિલિમિટેશન બિલને લઈને ઈન્ડિયા ગઠબંધનમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે.શરદ પવારની આગેવાની હેઠળની NCPએ આ બિલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.અત્યાર સુધી ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો રહેલી NCPના આ વલણથી રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગી શકે છે.એક તરફ કોંગ્રેસ સમગ્ર વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ NCPએ બિલના સમર્થનમાં આવવાની જાહેરાત કરી છે.આજે શુક્રવારે બપોરે જ ડિલિમિટેશન બિલને મોદી સરકારની કેબિનેટે મંજૂરી આપી હતી.ત્યારબાદ મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ NCP SPના નેતા જિતેન્દ્ર આવ્હાડે પાર્ટીના વલણ અંગે સ્પષ્ટતા કરી હતી.

અમે ખરેખર આ પ્રક્રિયાને સમર્થન આપીશું

જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું કે, શરદ પવાર સાથેની વાતચીત પાર્ટીના સત્તાવાર વલણ અંગે નહોતી.જોકે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ડિલિમિટેશનની પ્રક્રિયા બંધારણીય જરૂરિયાત છે.અમારી પાર્ટીએ ડિલિમિટેશન પ્રક્રિયાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને અમે ખરેખર આ પ્રક્રિયાને સમર્થન આપીશું.બીજી તરફ,NCP-SPનાં સાંસદ અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલેએ શનિવારે યોજાનારી INDIA ગઠબંધનની બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો.સંસદના વિશેષ સત્ર દરમિયાન વિપક્ષની રણનીતિ નક્કી કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે તેમના પિતા શરદ પવારની તબિયત ખરાબ હોવાથી તેઓ મુંબઈમાં જ રોકાશે. તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું હતું કે,તેઓ બેઠકમાં ભાગ લેવા માટે સોમવારે સવારે દિલ્હી જશે.

બિલનો ડ્રાફ્ટ વાંચ્યા બાદ વલણ સ્પષ્ટ કરવાની વાત કરી હતી

શરદ પવારને શરીરમાં પાણીની અછતને કારણે ગુરુવારે દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અગાઉ સુપ્રિયા સુલેએ ડિલિમિટેશન બિલ અંગે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી પહેલાં બિલનો ડ્રાફ્ટ વાંચશે અને ત્યારબાદ જ પોતાનું વલણ સ્પષ્ટ કરશે.હવે જિતેન્દ્ર આવ્હાડની જાહેરાત બાદ પાર્ટી આ બિલના સમર્થનમાં હોવાનું સ્પષ્ટ થયું છે.સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી બોલાવવામાં આવ્યું છે.આ સત્ર દરમિયાન સરકાર જરૂરી કાયદાકીય કામગીરી હાથ ધરવાની છે.એવા સંકેતો મળી રહ્યા છે કે સરકાર આ સત્રમાં મહિલા અનામત લાગુ કરવાની પ્રક્રિયાને ડિલિમિટેશન સાથે જોડતું બંધારણીય સુધારા વિધેયક રજૂ કરી શકે છે.આ સમગ્ર ઘટનાક્રમને કારણે ઈન્ડિયા ગઠબંધનની એકતા સામે સવાલો ઊભા થયા છે. 

આ પણ વાંચોઃ IPL 2027: મુંબઈમાં ફરી ‘હિટમેન રાજ’! રોહિત શર્માની ધમાકેદાર વાપસી, ફરી બન્યા ટીમના કેપ્ટન!