IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર થયો હોવાનો અહેવાલ છે. પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને ફરી કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, જ્યારે હાર્દિક પંડ્યાની જગ્યાએ નવો ચહેરો ટીમની કમાન સંભાળશે.
મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી રોહિત યુગની વાપસી!
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનતાં જ ફ્રેન્ચાઇઝીએ ખાસ અંદાજમાં તેમનું સ્વાગત કર્યું છે. ત્રણ વર્ષ બાદ ફરી એકવાર ટીમની કમાન સંભાળવા જઈ રહેલા રોહિતને લઈને મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં બ્લૂ હાર્ટ અને #CaptainRo હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે એક સિનેમેટિક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં રોહિત ટીમની જર્સીમાં પૂરા આત્મવિશ્વાસ સાથે ચાલતા જોવા મળે છે. વીડિયોમાં ગોલ્ડન ક્રાઉન અને 'કેપ્ટન રો'ની પ્રતિમા જેવા પ્રતીકો દ્વારા તેમની વાપસીની ઉજવણી કરવામાં આવી છે.
રોહિતની કેપ્ટન તરીકે વાપસીના સમાચાર સામે આવતાં જ ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ તેમને 'હિટમેન' અને મહાન કેપ્ટન ગણાવીને પ્રતિક્રિયાઓ આપી છે. મુંબઈ ઈન્ડિયન્સે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, 'સ્મિત કરો, બધા લોકો સ્મિત કરો.' પોસ્ટની સાથે બ્લૂ હાર્ટ અને #CaptainRo હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં રોહિત શર્મા પણ જોવા મળે છે.
https://x.com/mipaltan/status/2126288679941644314?a=bbPAvq6BX750zcEu_WA&s=20
ત્રણ વર્ષ બાદ ફરી મુંબઈના કેપ્ટન બન્યા રોહિત
મુંબઈ ઈન્ડિયન્સે 27 નવેમ્બરે સત્તાવાર રીતે રોહિત શર્માને IPL 2027 માટે ટીમના કેપ્ટન જાહેર કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, "મુંબઈ ઈન્ડિયન્સ મારા જીવનનો ખૂબ જ મોટો હિસ્સો રહી છે.
આ ટીમની કેપ્ટનશિપ કરવી હંમેશાં મારા માટે ગર્વની વાત રહી છે. આગામી સિઝનને લઈને નીતા (અંબાણી) ભાભી અને આકાશ (અંબાણી) સાથે થયેલી વાતચીત ખૂબ જ ઉત્સાહજનક રહી છે. મને પૂરો વિશ્વાસ છે કે અમે આ સિઝનમાં સારું પ્રદર્શન કરી શકીશું."
તેમણે વધુમાં કહ્યું, "હું 20મી સિઝન અને આવનારા પડકારો માટે તૈયાર છું. હું ઈચ્છું છું કે અમારી પલટનને ઉજવણી કરવાની ઘણી તકો મળે. અમારું ધ્યાન અમારી શૈલીમાં ક્રિકેટ રમવા, એકજૂથ થઈને મુકાબલો કરવા અને રમતનો આનંદ માણવા પર રહેશે."
રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈએ જીત્યા 5 IPL ખિતાબ
રોહિત શર્માએ 2013માં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળી હતી. તેમની આગેવાનીમાં ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં IPLનો ખિતાબ જીત્યો હતો. જોકે, 2023 બાદ ફ્રેન્ચાઇઝીએ તેમને કેપ્ટનપદેથી હટાવીને હાર્દિક પંડ્યાને આ જવાબદારી સોંપી હતી.
હાર્દિકની કેપ્ટનશિપમાં પણ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ટીમ 2024માં દસમા અને 2026માં નવમા સ્થાને રહી હતી. જ્યારે 2025માં મુંબઈએ ક્વોલિફાયર-2 સુધીની સફર કરી હતી, પરંતુ ફાઇનલમાં સ્થાન મેળવી શકી નહોતી.
IPLમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટર છે રોહિત
રોહિત શર્મા IPLમાં અત્યાર સુધી 281 મેચ રમી ચૂક્યા છે. તેમના નામે 7,329 રન નોંધાયેલા છે. આ દરમિયાન તેમણે બે સદી અને 49 અડધી સદી ફટકારી છે. IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં તેઓ બીજા સ્થાને છે.
આ મામલે તેમનાથી આગળ માત્ર વિરાટ કોહલી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિરાટ કોહલીએ 283 મેચમાં 9,336 રન બનાવ્યા છે. તેમના નામે 9 સદી અને 68 અડધી સદી નોંધાયેલી છે.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપનો અંત!
2024ની સીઝન બાદ મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનપદેથી હટાવીને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. જોકે, તેઓ ફ્રેન્ચાઇઝીની અપેક્ષાઓ પર ખરા ઊતરી શક્યા નહીં. ત્યારબાદ ટીમે તેમને ટ્રેડ કરીને પંજાબ કિંગ્સમાં મોકલી દીધા. તેમના સ્થાને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટીમમાં સામેલ થયા છે.
સંયોગની વાત એ છે કે 27 નવેમ્બર 2024ના રોજ જ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા ફર્યા હતા. ત્યારબાદ તેમને ટીમના કેપ્ટન પણ બનાવવામાં આવ્યા હતા. હવે 27 નવેમ્બરના રોજ જ ફ્રેન્ચાઇઝીએ હાર્દિકના સ્થાને ફરી રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો છે.
આ પણ વાંચો:Pakistan Women Cricket: PCBનો મોટો ધડાકો! 20માંથી 12 ખેલાડીઓ OUT, સ્ટાર ખેલાડીઓના પણ પત્તાં કપાયા!