પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) મહિલા ક્રિકેટ ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો કાપ મૂક્યો છે. બોર્ડે કોન્ટ્રાક્ટ મેળવનારી ખેલાડીઓની સંખ્યા 20થી ઘટાડીને માત્ર 8 કરી દીધી છે. આ મોટા ફેરફાર હેઠળ બોર્ડે કેટેગરી-D અને કેટેગરી-E સંપૂર્ણપણે નાબૂદ કરી છે. જેના કારણે અગાઉ કોન્ટ્રાક્ટ મેળવનારી અનેક અનુભવી અને યુવા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
જોકે, ટીમની કેપ્ટન ફાતિમા સના અને સ્ટાર સ્પિનર સાદિયા ઇકબાલે ટોપ કેટેગરીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 જુલાઈ 2026થી અમલી ગણાશે અને જૂન 2027ના અંત સુધી લાગુ રહેશે.
કઈ ખેલાડીને કઈ કેટેગરીમાં સ્થાન મળ્યું?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી 8 ખેલાડીઓની નવી યાદીમાં આયશા જફર એકમાત્ર એવી ખેલાડી છે, જેણે ગયા વર્ષે કોન્ટ્રાક્ટમાંથી બહાર રહ્યા બાદ આ વખતે પુનરાગમન કર્યું છે.
- કેટેગરી-Aમાં કેપ્ટન ફાતિમા સના અને ડાબોડી સ્પિનર સાદિયા ઇકબાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- કેટેગરી-Bમાં સિદ્રા અમીન, મુનીબા અલી સિદ્દીકી અને નશરા સંધુને સ્થાન મળ્યું છે.
જ્યારે કેટેગરી-Cમાં આયશા જફર, ગુલ ફિરોઝા અને સદફ શમાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ 13 ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છીનવાયા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેટેગરી-D અને E નાબૂદ કરી દીધી છે. PCBનો આ નિર્ણય એટલા માટે પણ ચોંકાવનારો છે, કારણ કે ગયા વર્ષે કુલ 20માંથી 12 કોન્ટ્રાક્ટ આ બંને કેટેગરીમાં આપવામાં આવ્યા હતા.
ગયા વર્ષે બોર્ડે યુવા અને ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે ઇમર્જિંગ કેટેગરી તરીકે કેટેગરી-Eની શરૂઆત કરી હતી. પરંતુ માત્ર એક વર્ષ બાદ જ તેને નાબૂદ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે આ કેટેગરીમાં સામેલ ઈમાન ફાતિમા અને શવાલ ઝુલ્ફિકારને પણ આ વખતે કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવી છે.
આ મોટા ફેરફારમાં આલિયા રિયાઝ, ડાયના બેગ, રમિન શમીમ, નઝીહા અલ્વી, નતાલિયા પરવેઝ, ઓમાઈમા સોહેલ, સિદ્રા નવાઝ, અરૂબ શાહ, તૂબા હસન, ઉમ્મ-એ-હાની અને વહીદા અખ્તર જેવી જાણીતી ખેલાડીઓએ પણ પોતાનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ખેલાડીઓના તાજેતરના પ્રદર્શન અને ફિટનેસને ધ્યાનમાં રાખીને કેટેગરી નક્કી કરવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીઓનું નિયમિત ફિટનેસ મૂલ્યાંકન કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટના સમગ્ર સમયગાળા દરમિયાન તેમણે નક્કી કરેલા ફિટનેસ માપદંડ જાળવી રાખવા પડશે.
આ પણ વાંચો:Nathan Lyon & Sandpapergate: 8 વર્ષ જૂના સેન્ડપેપર કાંડમાં હવે Mintનો નવો વળાંક, ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી હલચલ!