અમદાવાદ શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સ પેડલરો સામે પોલીસે કડક કાર્યવાહી તેજ કરી છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં સેક્ટર-1 એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા દરોડો પાડીને ₹61,800ની કિંમતના MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

રાયપુર ભજીયા હાઉસ પાસે કાર્યવાહી; ₹1,01,800નો મુદ્દામાલ કબજે

મળતી વિગતો અનુસાર, સેક્ટર-1 એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)ની ટીમે બાતમીના આધારે કાગડાપીઠ વિસ્તારમાં કસાઈની ચાલી સામે રાયપુર ભજીયા હાઉસ પાસે વોચ ગોઠવીને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે સોહેલ સલીમભાઈ શેખ અને ફિરોઝ ઉર્ફે સાયમન આલિમ મલેકની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી MD ડ્રગ્સ 6.180 ગ્રામ (કિંમત ₹61,800) સુઝુકી બર્ગમેન મોપેડ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

શાહઆલમના 'ઈમુ' પાસેથી ડ્રગ્સ ખરીદ્યાની કબૂલાત

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે આ MD ડ્રગ્સનો જથ્થો શાહઆલમના ઈમુ પાસેથી ખરીદ્યો હતો. જેના આધારે પોલીસે MD ડ્રગ્સ સપ્લાય કરનાર ઈમુને વોન્ટેડ જાહેર કરીને તેને પકડી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. હાલ બંને આરોપીઓ સામે NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સેક્ટર-1 ANW દ્વારા ડ્રગ્સના સમગ્ર સપ્લાય નેટવર્કને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:  Ahmedabad: વટવામાં જાહેરમાં બે જૂથ વચ્ચે અથડામણ! પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ સંભાળી