અમદાવાદનું જાણિતુ કાંકરિયા લેક હવે રાત્રિના સમયે એક નવા જ રૂપમાં જોવા મળશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેક પરિસરને આધુનિક અને આકર્ષક રોશનીથી ઝળહળતું કરવા માટે એક વિશાળ કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.આ નવીન આયોજનથી કાંકરિયાનો સમગ્ર નાઈટ લુક બદલાઈ જશે, જે શહેરીજનો અને સૈલાણીઓ માટે એક અદ્ભુત આકર્ષણનું કેન્દ્ર બનશે.
તહેવારના માહોલને વધુ ભવ્ય બનાવશે
મળતી વિગતો અનુસાર,સમગ્ર 4.5 કિલોમીટર લાંબા લેક પરિસરમાં અદ્યતન ડિજિટલ લાઇટિંગ સિસ્ટમ અને પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી સ્થાપિત કરવામાં આવી રહી છે.આ સિસ્ટમની મુખ્ય વિશેષતા સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ લાઇટિંગ છે જેમાં સંગીતની ધૂન સાથે રોશનીના કલર અને પેટર્ન બદલાશે.મુલાકાતીઓ માટે 12 અલગ-અલગ થીમ્સ આધારિત લાઇટિંગ શોનું આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત,વિવિધ રાષ્ટ્રીય તહેવારો અને ઉત્સવો દરમિયાન સમગ્ર કાંકરિયા પરિસરમાં વિશેષ થીમેટિક લાઇટિંગ કરવામાં આવશે જે તહેવારના માહોલને વધુ ભવ્ય બનાવશે.
