અમદાવાદ (Ahmedabad) માંથી પસાર થતી ખારી નદી (Khari River) માં વટવા GIDC (Vatva GIDC) માંથી બેફામ કેમિકલયુક્ત પ્રવાહી ઠલવાઈ રહ્યું હોવાના આક્ષેપ વચ્ચે 14 ગામો (14 Villages) ના ગ્રામજનો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. નદીમાં વહેતી કાળી અને દુર્ગંધયુક્ત ધારાના કારણે ચોસર (Chosar), દેવડી (Devdi), ઇસ્ટોલાબાદ (Istolabad) સહિતના ગામોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પ્રદૂષણની અસર રોજિંદા જીવન પર એટલી હદે પડી છે કે નવા સોના-ચાંદીના દાગીના પણ થોડા સમયમાં કાળા પડી જાય છે, જ્યારે ચામડીના રોગો, શ્વાસ લેવામાં તકલીફ અને ચોસર-દેવડી-ઇસ્ટોલાબાદમાં એક જ વર્ષમાં 4 વ્યક્તિઓના કેન્સરથી મોત થયા હોવાના દાવા સામે આવતા ભારે ચિંતા ફેલાઈ છે.
બોરવેલના લાલ પાણીથી ખેતી અને આજીવિકા પર સંકટ
ખારી નદીના પ્રદૂષણની સીધી અસર 14 ગામોની ખેતીવાડી (Agriculture) અને જમીનની ફળદ્રુપતા પર પણ પડી રહી હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. નદીની સાથે બોરવેલના પાણી પણ લાલ રંગના આવી રહ્યા હોવાનો આક્ષેપ છે, જેના કારણે પ્રદૂષિત પાણીથી સિંચાઈ કરવાની મજબૂરી વચ્ચે ઉત્પાદિત અનાજ અને શાકભાજીની સલામતી અંગે પણ સવાલ ઉભા થયા છે. અમદાવાદની બાજુમાં આવેલા ખેડા (Kheda) જિલ્લાના લાલી (Lali) ગામ સુધી પહોંચેલી આ સમસ્યા સામે ભૂતકાળમાં આંદોલન અને ભૂખ હડતાળ બાદ અપાયેલી ખાતરીઓ છતાં સ્થિતિ યથાવત રહેતા કેટલાક ગ્રામજનો ગામ છોડીને અન્યત્ર જવા મજબૂર બન્યા હોવાની વિગતો સામે આવી છે.
