શહેરમાં અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાના ઓથા હેઠળ નિર્દોષ પરિવારોને છેતરી મહિલાઓનું શારીરિક શોષણ કરતી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. કુબેરનગર વિસ્તારમાં ઘરની આર્થિક સ્થિતિ સુધારવા તેમજ સાસુની બીમારી દૂર કરવાના નામે તાંત્રિક વિધિના બહાને પરિણીતાનું શારીરિક શોષણ કરનાર ઢોંગી ભુવા દીપક પરમાર સામે સરદારનગર પોલીસ મથકમાં સત્તાવાર ગુનો નોંધાયો છે. આરોપીએ પતિને બહાર મોકલી મહિલા સાથે અડપલાં કરી શારીરિક સંબંધ બાંધ્યા બાદ આ અંગે કોઈને જાણ કરશે તો મેલીવિદ્યા કરી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
ગરીબી અને બીમારી દૂર કરવાના નામે વિધિનું નાટક
પોલીસ ફરિયાદમાં પીડિતાએ વર્ણવેલી હકીકત મુજબ કુબેરનગરના મહાજન્યવાસમાં રહેતો દીપક પરમાર પોતાને ભુવો ગણાવી પરિવારોના પ્રશ્નો ઉકેલવાનો દાવો કરતો હતો.પીડિત મહિલાના ઘરની નબળી આર્થિક સ્થિતિ અને સાસુની સતત નાદુરસ્ત રહેતી તબિયતનો ફાયદો ઉઠાવી તેણે ઘરમાં વિધિ કરાવવી પડશે તેવું કહી પરિવારને ભરમાવ્યો હતો. 3 ઓક્ટોબરના રોજ આરોપી વિધિ કરવા માટે મહિલાના ઘરે પહોંચ્યો હતો અને વિધિ એકાંતમાં કરવી પડશે તેમ કહી પરિણીતાને મકાનના ઉપરના માળે લઈ ગયો હતો.ત્યાં લીંબુ અને પાણી વડે વિધિનું નાટક રચ્યા બાદ તેણે મહિલા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.
પતિને ચાર રસ્તા પર લીંબુ મૂકવા મોકલ્યો અને હવસ સંતોષી
આરોપીએ આગળની વિધિના બહાને આખો તાગડો રચ્યો હતો. ભુવા દીપકે નદીમાં સ્નાન કરાવી ખાસ વિધિ કરવા માટે શરૂઆતમાં ₹25,000 ની માંગણી કરી હતી, જે બાદમાં રકઝકના અંતે ₹17,000 માં નક્કી કરવામાં આવી હતી.યોજના મુજબ, આરોપીએ પરિણીતાના પતિને વિધિ પૂર્ણ કરવા માટે લીંબુ લઈને ચાર રસ્તા પર મૂકી આવવા મોકલી દીધો હતો.પતિ ઘરની બહાર નીકળતાં જ ઘરમાં મહિલાને એકલી જોઈ આરોપીએ બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.ઘટના બાદ ઢોંગી ભુવાએ પીડિતાને ડરાવતાં કહ્યું હતું કે, "જો આ વાતની કોઈને જાણ કરીશ તો તારા પરિવાર પર મેલીવિદ્યા કરી તમારો નાશ કરી નાખીશ."
સામાજિક સમાધાન નિષ્ફળ જતાં પોલીસ ફરિયાદ
ગભરાયેલી મહિલાએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાના પતિને જણાવી હતી.પરિવારે શરૂઆતમાં મામલો સામાજિક સ્તરે ઉકેલવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી તરફથી કોઈ પસ્તાવો કે સંતોષકારક નિકાલ ન આવતાં પરિવારે પોલીસનો આશરો લીધો હતો.આખરે પીડિતા સરદારનગર પોલીસ મથકે પહોંચી હતી અને દીપક પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.સરદારનગર પોલીસે દુષ્કર્મ, છેડતી, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:Kutch: માંડવીમાં ₹45 લાખનું આંધણ કરીને લગાવેલા 81 CCTV કેમેરા વર્ષોથી શોભાના ગાંઠિયા! વાયરો ચોરાઈ ગયા ને તંત્ર ઊંઘતું ઝડપાયું