અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં 64 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી લેવાના ચકચારી ગુનાનો ભેદ LCB ઝોન-2ની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે 150થી વધુ CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ અને ટેકનિકલ એનાલિસિસ બાદ ચેઈન સ્નેચિંગમાં સામેલ એક આરોપીને દબોચી લઈ કુલ ₹1 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

150થી વધુ CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસથી આરોપી ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 1 નવેમ્બરે સવારે ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી ગણેશ ગ્રીન સોસાયટી પાસે નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઈક પર આવેલા બે શખ્સો 64 વર્ષીય વૃદ્ધાની સોનાની ચેઈન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ વણઉકેલાયેલા ગુનાની તપાસમાં LCB ઝોન-2ની ટીમે સઘન કવાયત હાથ ધરી હતી:પોલીસે ગુનાના સ્થળથી લઈ આરોપીઓના ભાગવાના રૂટ પરના 150થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી.ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરીને 20 વર્ષીય કરણ ઉર્ફે બાવરી યોગેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે ₹40 હજાર રોકડા અને ગુનામાં વપરાયેલી ₹60 હજારની કિંમતની સ્પ્લેન્ડર પ્લસ બાઈક મળી કુલ ₹1 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે; સાગરીત દિપક પરમાર ફરાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચેઈન સ્નેચિંગમાં સામેલ દિપક લાલાભાઈ પરમાર હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલા આરોપી કરણ સામે અગાઉ પણ મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ફરાર આરોપી દિપક સામે ચોરી અને લૂંટ સહિતના અનેક ગુનાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ LCB ઝોન-2 દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનના આ વણઉકેલાયેલા ચેઈન સ્નેચિંગ કેસનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે આરોપીને સંબંધિત પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: Surat: વરાછામાં હીરાબાગ પાસે બેફામ ઈકો ચાલકે સર્જ્યો અકસ્માત! કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવતા ખળભળાટ