દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. ડુંગળી અને લીંબુના ભાવમાં છેલ્લા બે સપ્તાહમાં જ ત્રણ ગણો વધારો થયો છે.એક સપ્તાહ પહેલાં હોલસેલમાં રૂ.80 પ્રતિ કિલોના ભાવે મળતા લીંબુ અત્યારે રિટેલમાં રૂ.300ની કિંમતે વેચાવા માંડ્યા છે.જ્યારે રૂ.20પ્રતિ કિલો મળતી ડુંગળી રૂ.80 પ્રતિ કિલો વેચાઈ રહી છે.બીજી તરફ લીલા શાકભાજીમાં કિલોએ રૂ.20થી 30નો વધારો થયો છે.
લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા છે
વેપારીઓના જણાવ્યા કે મુજબ ડુંગળી અને લીંબુની આવક ઓછી હોવાને લીધે રિટેલમાં કૃત્રિમ ઉછાળો આવ્યો છે.નાની ગુજરાતી અને પંજાબી હોટેલોમાં થાળીમાંથી ડુંગળી અને લીંબુ ગાયબ થઈ ગયા છે.જ્યારે પાંઉભાજી અને દાળવડાની લારીઓ પર માપસરની ડુંગળી આપવાનું શરૂ કરાયું છે.આમ શાકભાજી,લીંબુ અને ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા છે.જેના લીધે ગૃહિણીઓના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે.ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે,હવે ક્યાં સુધી અમે ધીરજ રાખીશું.

