આજે 17 સપ્ટેમ્બર ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.17 ઓક્ટોબર સુધી એક મહિનો સળંગ સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરાયું છે.જેનો આરંભ વડનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવે મહાઆરતી,પદયાત્રા અને 400થી વધુ બાઈકર્સને વારાણસી સુધી સેવા યાત્રા પ્રસ્થાન કરાવીને કરાવશે.

રાજ્યભરમાં 18500 સ્થળોએ આશીર્વાદ દીવા પ્રગટાવાશે

સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે સાંજે રાજ્યભરમાં 18500 સ્થળોએ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતા 88 લાખથી વધુ દીવડા પ્રગટાવવા માટે ગુજરાતના નાગરિકો અને ભાજપના કાર્યકરોએ તૈયારીઓ કર્યાનું જાહેર કર્યું હતું.જન્મદિવસ ઉપરાંત 7મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકે જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છેઆથી તેને સાંકળીને ભાજપ સરકાર અને સંગઠને એક મહિના સુધી સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કર્યું છે.જેમાં આયુષ્માન ભારત,અનાજ વિતરણ,ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના વિશેષ અભિયાન ચાલશે.

કાંકરિયા ખાતે આશીર્વાદનો દીવડો પ્રગટાવશે

આજે સવારે વડનગરથી વારાણસી સુધી સેવા યાત્રા કરનારા બાઈકર્સ પણ રસ્તામાં આવતા ગામોમાં આ અભિયાનને આગળ વધારશે.રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે કાંકરિયા ખાતે આશીર્વાદનો દીવડો પ્રગટાવશે.જ્યારે અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહાઆરતી કરશે.તે સિવાય સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબહેન બામણિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ રાજકોટમાં હિરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સેવા સંકલ્પ અભિયાનનો આરંભ કરાવશે.

કાર્યક્રમમાં 20 લાખથી વધુ નાગરિકોને જોડાવા આહવાન

18500 સ્થળોએ દીવડો આશીર્વાદનો કાર્યક્રમમાં 20 લાખથી વધુ નાગરિકોને જોડવા માટે આયોજન હોવાનું જણાવતાં પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે 17મી સપ્ટેમ્બરની સાંજે છ વાગ્યાથી મંદિરોથી લઈને તળાવ,નદી,ચોક,શહેરોના મુખ્ય દરવાજા,દૂધની ડેરી,પ્રતિમા,ટાઉનહોલ,બગીચા અને માર્કેટયાર્ડમાં ભજન-સંધ્યા, સત્સંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તમામ નેતાઓ આજે વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરશે. 

આ પણ વાંચોઃ Navsari : વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્ર