ગુજરાતમાં રહેણાંક વિસ્તારમાં દીપડા અને સિંહનો આતંક વધી રહ્યો છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલામાં પણ વધારો થયો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરકચ્છ ગામે આવેલા ડુંગરી ફળિયામાં કમકમાટીભરી ઘટના સામે આવી છે.અહીં રહેતાં 58 વર્ષીય કીર્તિબેન દિનેશભાઈ ચૌધરી પોતાના કાચા ઘરમાં એકલાં જ રહેતાં હતાં.રાત્રિ દરમિયાન આશરે ત્રણ વાગ્યાના સુમારે દીપડો ફળિયામાં આવી ચડ્યો હતો.આ દીપડો સીધો કીર્તિબેનના કાચા ઘરમાં ઘૂસી ગયો હતો.ઘરમાં ઘૂસી દીપડાએ વૃદ્ધા પર હુમલો કરી તેમને પકડી લીધાં હતાં.દીપડો આ મહિલાને ઘરમાંથી બહાર તરફ ખેંચી જતાં કીર્તિબેનનું કરૂણ મોત નીપજ્યું હતું.
દીપડાના આ આતંકને કારણે ભારે ફફડાટ વ્યાપી ગયો
આજે વહેલી સવારે મહિલાનો મૃતદેહ ઘરની બહાર પડેલો મળી આવ્યો હતો.ઘરની બહાર મહિલાનો મૃતદેહ મળતાં જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ઘરમાં ઘૂસીને દીપડો મહિલાને ખેંચી જતાં સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.ખાસ કરીને કાચા મકાનોમાં રહેતા ગ્રામજનો પોતાની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત બન્યા છે.ગામના લોકોમાં દીપડાના આ આતંકને કારણે ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ડુંગરી ફળિયા સહિત સમગ્ર વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળતાં પણ ડર અનુભવી રહ્યા છે.આ અરેરાટીભરી ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અજંપો ફેલાયો છે.
