અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એલપીજી ગેસ બોટલની ડિલિવરીને લઈને ગ્રાહકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.નિયમ મુજબ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવ્યા બાદ વધુમાં વધુ 3થી 7 દિવસમાં ડિલિવરી મળી જવી જોઈએ.પરંતુ હાલમાં 12થી 15 દિવસ વીતી જવા છતાં ગ્રાહકોને સિલિન્ડર મળતા નથી. એલપીજી સિલિન્ડરની અછતથી ગ્રાહકો પરેશાન થઈ ગયા છે.પૂરતો પુરવઠો ફાળવવામાં આવતો નહીં હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનું ડિલરો રટણ કરી રહ્યા છે.જેના કારણે ગ્રાહકોને ગેસ એજન્સીઓના ધક્કા ખાવાની નોબત આવી છે.
કાળાબજારીમાં માંગો ત્યારે તુરંત સિલિન્ડર મળી જાય છે
એજન્સીઓ સમક્ષ રજૂઆત કરવા જતાં ગ્રાહકોને એકાદ-બે દિવસમાં બોટલ આવી જશે તેવી ખાતરી આપી રવાના કરી દેવાય છે.પરંતુ પાંચ દિવસ પછી ફરી તપાસ કરવા જતાં એજન્સી તરફથી વાસી જવાબો મળે છે.જેના કારણે એજન્સીઓ પર રોજબરોજ ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે.ડિલરોનું કહેવું છે કે કંપનીઓ તરફથી ઉપરથી જ પૂરતો પુરવઠો ઠાલવવામાં આવતો ન હોવાથી આ સમસ્યા સર્જાઈ છે.સ્ટોક આવે તે મુજબ ડિલિવરી કરવામાં આવે છે.બીજી તરફ,ગ્રાહકોનો આક્ષેપ છે કે નિયમ મુજબ સિલિન્ડર મેળવવા ધક્કા ખાવા પડે છે,પરંતુ કાળાબજારીમાં માંગો ત્યારે તુરંત સિલિન્ડર મળી જાય છે.
