અમદાવાદમાં રૂ.100 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મકરબા રેલવે ઓવરબ્રિજ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનને લઈ એક પછી એક ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે.મકરબા રેલવે ઓવરબ્રિજના જંક્શન ઉપર જ વર્ષ-2021માં બનાવવામાં આવેલું પ્રહલાદનગર ફાયર સ્ટેશન છે.મકરબા રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા પછી ચારે તરફના ટ્રાફિકને ક્લિયર કરવાના ઓઠા હેઠળ કેપ્સ્યુલ જંક્શન બનાવી કોર્પોરેશન અને પોલીસ વિભાગે જવાબદારી પૂરી થઈ એમ માની લીધું હશે.પરંતુ ખાટલે મોટી ખોટ એ વાતની છે કે,સો કરોડનું આંધણ કરતાં પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ જરાય વિચાર ન કર્યો કે,પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી એમ્બ્યુલન્સ, શબવાહિનીથી લઈ ફાયર ફાઈટર, વોટરબાઉઝર જેવાં વાહનો આગ કે અકસ્માત જેવી ઘટનાઓ સમયે ઘટનાસ્થળ સુધી કેવી રીતે સમયસર પહોંચી શકશે?

મદદ મોડી પહોંચે તો સ્થિતિ કેટલી ગંભીર બને

દરેક બ્રિજ પૂરો થાય એટલે ચાર રસ્તા જ આવે એવું મીડિયા સમક્ષ નિવેદન કરનારા શહેરના પ્રથમ નાગરિક અને મેયરને એટલો તો ખ્યાલ હશે જ કે ફાયરનાં વાહનો કોઈપણ ઘટનાસ્થળે મોડાં પહોંચે તો પરિસ્થિતિ કેટલી હદે ગંભીર બની શકે છે! બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં જંક્શન ઉપર આવેલા પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટેની એમ્બ્યુલન્સ હોય, શબવાહિની હોય અથવા તો ફાયર ફાઈટર જેવાં વાહનો હોય કે જે અગાઉ ઘટનાસ્થળે પહોંચી સાત મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં પહોંચતાં હતાં, તે હવે કેપ્સ્યુલ જંક્શનના ચક્કરવાળા કારણે દસથી બાર મિનિટમાં પહોંચશે.નોંધનીય બાબત એ છે કે,પ્રહલાદનગર ઉપરાંત જોધપુર, વેજલપુર, સરખેજ અને મક્તમપુરા સહિતના તમામ વિસ્તારોમાં આગ, અકસ્માત કે બચાવ કામગીરી માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી જ વાહનો અને સ્ટાફ ઘટનાસ્થળે મોકલવામાં આવે છે. 

રોંગ સાઈડમાંથી આવનારાં વાહનોથી સાવધ રહેવું પડશે

બોપલ વિસ્તારમાં ફાયર સ્ટેશન છે પણ ક્યારેક આગની મોટી ઘટના બને તે સમયે પ્રહલાદનગર ફાયર સ્ટેશન ખાતેથી પણ સ્ટાફ અને વાહનો બોપલ ફાયર સ્ટેશન ખાતે મદદ માટે મોકલવામાં આવતાં હોય છે.બ્રિજના લોકાર્પણ પછી જેમ અન્ય વાહનોને કેપ્સ્યુલ જંક્શનના ચક્કરમાંથી ફરવું પડે છે તેવી જ હાલત ફાયર વિભાગના વાહનો માટે પણ ઊભી થશે. ફાયરનાં વાહનોને જમણી બાજુ જવા માટે પહેલાં ડાબી તરફ વળી યુ-ટર્ન લઈ કેપ્સ્યુલમાંથી બહાર નીકળી આગળના રસ્તા તરફ પરત ફરવું પડશે.વાત આટલેથી પૂરી થતી નથી કેમ કે ફાયરનાં વાહનોને જે સ્થળ ઉપર પહોંચવાનું છે ત્યાં જેમ બને તેમ ઝડપથી પહોંચવા માટેની આ આખીય પ્રક્રિયામાં સૌથી પહેલાં તો પ્રહલાદનગર ફાયર સ્ટેશન તરફ રોંગ સાઈડમાંથી આવનારાં વાહનોથી સાવધ રહેવું પડશે.એ પછીના ક્રમમાં સ્થળ સુધી પહોંચવા રસ્તા ઉપર આવનારા ટ્રાફિક સિગ્નલ તથા ટ્રાફિક જંક્શન ઉપર વાહનોના જમેલામાંથી પણ પસાર થવાનું રહેશે.

વર્ષોથી વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.આ પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ,શબવાહિની કે પછી ફાયર ફાઈટર જેવાં વાહનોને ઘટનાસ્થળે સમયસર પહોંચાડવા માટે સાયરન વગાડ્યા પછી પણ કેટલાક કિસ્સામાં ફાયરનાં વાહનોને અન્ય વાહનો દ્વારા ઝડપથી રસ્તો કરી આપવામાં આવતો નથી.આ તમામ બાબતો એવી નથી કે જેમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસી માત્ર કન્સલ્ટન્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના રિપોર્ટના આધારે કરોડોના ખર્ચે ફ્લાયઓવર કે રેલવે ઓવરબ્રિજ બનાવવા ટેન્ડર જારી કરે-તે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપતા કોર્પોરેશનના અધિકારીઓ કે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અજાણ હોય. તેમ છતાં આવું અણઘડ આયોજન શા માટે કરાયું? કયા કારણથી ગંભીર બેદરકારી દાખવનારા બ્રિજ પ્રોજેક્ટ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે તકેદારી તપાસના આદેશ કરી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા નથી? આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામી છે.

હોનારત સમયે ફાયર બ્રિગેડના વ્હીકલને પસાર થવા સાત કોઠા વિંધવા પડશે

પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફાયર વિભાગના અન્ય વાહનોની સાથે 40 ફૂટ લંબાઈ ધરાવતું ટર્ન ટેબલ લેડર (ટીટીએલ) રાખવામાં આવ્યું છે.જેનો ઉપયોગ બહુમાળી ઇમારતોમાં લાગતી આગ કે બચાવ કામગીરી સમયે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતો હોય છે.સામાન્ય વાહનને ટર્ન લેવા માટે જેટલો રસ્તો જોઈએ તેના કરતાં દોઢ ગણી જગ્યા આ ટર્ન ટેબલ લેડરને વળાંક લેવા માટે જોઈતી હોય છે. મકરબા રેલવે ઓવરબ્રિજના અણઘડ કેપ્સ્યુલ જંક્શનના કારણે હવે કટોકટીના સમયે ટીટીએલને સ્ટેશનની બહાર કાઢવું એ ફાયર વિભાગ માટે અભિમન્યુના સાત કોઠા ભેદવા જેવું કપરું બની રહેશે.

અધિકારીઓ ભૂગર્ભ યુટિલિટીની વિગતો જ ન મળી

મકરબા રેલવે ઓવરબ્રિજ નિર્માણની કામગીરી 30 સપ્ટેમ્બર 2022થી શરૂ કરાઈ હતી.વર્ષ-2023 અને વર્ષ-2024 દરમિયાન ભૂગર્ભ યુટિલિટી લાઈનોને લઈ બેથી ત્રણ વખત ખોદકામ કરવાની ફરજ પડી હતી.આ સમયે મ્યુનિ.અધિકારીઓને જમીનમાંથી પાણી ગટરની કઈ લાઈન ક્યાંથી ક્યા કેટલી લંબાઈમાં પસાર થઈ રહી છે તેના લે-આઉટ કે બ્લૂ પ્રિન્ટ્સ પણ સમયસર મળી શક્યા નહોતા.આ કારણથી પણ બ્રિજની કામગીરી લાંબો સમય ઘોંઘમાં પડી રહી હતી. બ્રિજની કામગીરી વખતે ડ્રેનેજ લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું.આ ભંગાણના સમારકામ પાછળ મહિનાઓનો સમય કોર્પોરેશનના ઈજનેરોએ વેડફી નાંખ્યો હતો. આ કારણથી પ્રોજેક્ટ ચાલુ કામગીરી દરમિયાન જ બ્રિજના ફાઉન્ડેશન પિલરના પ્લેસમેન્ટનું રિડિઝાઇન કરવાની તંત્રને ફરજ પડી હતી.

નગર નિયોજન નિષ્ણાતોની ચેતવણીને કોરાણે મૂકી દેવાઈ

મકરબા રેલવે ઓવરબ્રિજ નિર્માણની કામગીરી સમયે અર્બન પ્લાનિંગ નિષ્ણાંતો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી હતી કે, કોર્પોરેટ રોડના દસ મીટરથી ઓછા સાંકડા પટ ઉપર સીધા પહોળા ઓવરબ્રિજ રેમ્પ બનાવવાથી માળખાકીય અવરોધ ઊભો થશે.પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ આ ચેતવણીને અણગણી આખા અમદાવાદે જોયું કે બ્રિજ લોકાર્પણના ૨૪ કલાકમાં જ ચાર જેટલા અકસ્માત સર્જાયા હતા.

આ પણ વાંચોઃ Gandhinagar News: ઉમેદવારો આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકશે, રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ તેજ