અમદાવાદ શહેરમાં મેઘરાજાના કાળો કેર અને અનરાધાર વરસાદ બાદ હવે શહેરીજનો માટે યાતનાઓનો નવો દોર શરૂ થયો છે. શહેરના પૂર્વથી પશ્ચિમ સુધી તમામ મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે, ત્યારે પશ્ચિમ અમદાવાદના મકરબા વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી છે. અહીં 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવો ઘાટ સર્જાયો છે.
શહેરીજનો માટે યાતનાઓનો નવો દોર શરૂ
https://www.instagram.com/reel/DbNBahNDlL4/?utm_source=ig_web_button_share_sheet
અમદાવાદમાં એક સાંધે ત્યાં તેર તૂટે
ભારે વરસાદના લીધે મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે. ડામર સંપૂર્ણપણે ધોવાઈ જતાં રોડ પર મોટા-મોટા ભયાનક ખાડા પડી ગયા છે. આ પરિસ્થિતિને કારણે મકરબાથી વેજલપુરને જોડતો મુખ્ય વાહનવ્યવહારનો માર્ગ બંધ કરી દેવાની ફરજ પડી છે. જે રોડ પરથી રોજના હજારો વાહનચાલકો પસાર થાય છે તે રસ્તો બંધ થતાં વેજલપુર અને પ્રહલાદ નગર તરફ જતાં લોકોને ભારે વિલંબ અને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
વાહનો બંધ પડ્યા અને ડ્રેનેજના પાણી ઉભરાયા
બિસ્માર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા હોવાથી ઊંડા ખાડા દેખાતા નથી. જેના કારણે બાઇક, એક્ટિવા અને કાર જેવા અનેક વાહનો ખાડામાં પછાડા ખાઈને બંધ પડી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ, મકરબા વિસ્તારની ડ્રેનેજ લાઈનો પણ બેક મારી રહી છે. ગટરના દૂષિત પાણી રોડ પર ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે.
રોગચાળો ફાટી નીકળવાનો ભય
રસ્તાઓ પર ફેલાયેલા કાદવ-કીચડ અને ડ્રેનેજના પાણીના લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિક રહીશોમાં સેવાય રહ્યો છે. રાહદારીઓ માટે ચાલીને પસાર થવું પણ દુષ્કર બની ગયું છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ડ્રેનેજનું બેક ફ્લો અટકાવવામાં આવે અને રોડનું પૂરણ કરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવે.
આ પણ વાંચો: Surat: NH-48 પર કોસંબા નજીક ટ્રાવેલ્સ બસ સળગી, 17 મુસાફરોનો આબાદ બચાવ