સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી રાજસ્થાન તરફ મુસાફરોને લઈને જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં કોસંબા નજીક અચાનક આગ લાગી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, બસ પોતાના નિયત રૂટ પર સુરતથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે કોસંબા નજીક આવેલા નાના બોરસરા ગામ પાસેથી પસાર થતી વખતે બસના એન્જિન કે પાછળના ભાગેથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં કોઈ કારણોસર બસમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.

ખાનગી ટ્રાવેલ્સ બસમાં આગ લાગી

https://www.instagram.com/reel/DbM-l1DivGD/?utm_source=ig_web_button_share_sheet

ખાનગી ટ્રાવેલ્સ બસમાં આગ લાગી

ચાલુ બસમાં આગ લાગતાં જ બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, બસ ચાલકે તુરંત જ સમયસૂચકતા વાપરીને બસને હાઇવેના કિનારે ઊભી રાખી દીધી હતી. બસ ઊભી રહેતાં જ તેમાં સવાર તમામ 17 જેટલા મુસાફરો પોતાનો સામાન છોડીને તુરંત જ બસમાંથી નીચે ઉતરી ગયા હતા, જેના કારણે એક મોટી હોનારત ટળી હતી.

આસપાસના સ્થાનિકો દોડી આવ્યા

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇમરજન્સી કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ મેસેજ મળતાં જ માટીવાડ ફાયર સ્ટેશન અને પાનોલી GIDC ની ફાયર ફાઇટર ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં બસમાં લાગેલી ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ પણ મુસાફરને નાની-મોટી ઈજા કે જાનહાનિ થઈ નથી. 

આ પણ વાંચો: Ahmedabad: બહેરામપુરામાં મેલડી માતા મંદિર પાસે પડ્યો મસમોટો ભૂવો, AMC દ્વારા ભૂવાની આસપાસ બેરિકેટિંગ કરાયું