ગાંધીનગરના ડભોડા ગામે આવેલી જમીનના જૂના વિવાદમાં સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને હસમુખભાઈ પટેલે કરાઈ નજીક નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના કબાટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી.જેના આધારે નરોડા પોલીસ મથકે બે ભાગીયા અને છ વારસદારો સહિત આઠ સામે ગુનો નોંધાયો છે.
જમીન વેચાણની એન્ટ્રી સર્ટિફાઇડ થઈ શકી નહોતી
ગાંધીનગરના ડભોડા ગામે આવેલા સર્વે નંબર 2567ની સાડા ચાર વિઘા જમીન બાબતે લાંબા સમયથી ઉગ્ર વિવાદ ચાલતો હતો.આ વિવાદિત જમીનના વેચાણની પ્રક્રિયા દરમિયાન વારસદારો દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી.આ વાંધા અરજીને પગલે જમીન વેચાણની એન્ટ્રી સર્ટિફાઇડ થઈ શકી નહોતી,જેના કારણે બંને પક્ષો વચ્ચેનો મામલો ગંભીર બન્યો હતો.જમીન મામલે બે ભાગીયા અને છ સીધી લીટીના વારસદારો દ્વારા હસમુખભાઈ પટેલને હેરાનગતિ કરવામાં આવતી હતી.આઠેય લોકો જમીન બાબતે અવારનવાર હસમુખભાઈને ગંભીર ધમકીઓ આપતા હતા અને તેમની પર સતત દબાણ ઊભું કરતા હતા.વારસદારો તેમજ ભાગીયાઓ દ્વારા આપવામાં આવતી ધમકીઓના લીધે હસમુખભાઈ ભારે માનસિક તણાવ તેમજ અસહ્ય ત્રાસ અનુભવી રહ્યા હતા.
નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી
માનસિક ત્રાસ અને સતત મળતી ધમકીઓથી કંટાળી જઈને આખરે હસમુખભાઈ પટેલે કરાઈ નજીક આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરતાં પહેલાં હસમુખભાઈએ પોતાના પરિવારજનોને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને સાથે નર્મદા કેનાલના ફોટા પણ મોકલ્યા હતા.આ મેસેજ અને ફોટા મળતાં જ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.દરમિયાન ગત 6 નવેમ્બરના રોજ કરણનગર સાયફન પાસેથી નર્મદા કેનાલમાંથી હસમુખભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા બાદ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ધમકીઓ અંગે ઊંડાણપૂર્વક અને સઘન તપાસ શરૂ
આ અરેરાટીભરી ઘટના બાદ મૃતક હસમુખભાઈના ઘરની તપાસ કરતાં તેમના કબાટમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.આ સ્યુસાઇડ નોટમાં ડભોડાની જમીનનો વિવાદ તેમજ તેના કારણે અપાતી ધમકીઓ અને માનસિક ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ સુસાઇડ નોટ અને પરિવારે આપેલી વિગતોના આધારે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં બે ભાગીયા અને છ વારસદારો સહિત કુલ 8 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.નરોડા પોલીસે આ ગંભીર મામલે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે કબાટમાંથી જપ્ત કરેલી સુસાઇડ નોટ,જમીન વેચાણ અંગેનો જૂનો વિવાદ, વારસદારોની વાંધા અરજી તેમજ આરોપીઓ દ્વારા આપવામાં આવતી ધમકીઓ અંગે ઊંડાણપૂર્વક અને સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Surat News: તહેવારોમાં નાગરિકોની આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા સરકાર સજ્જ: મંત્રી પ્રફુલ પાનશેરીયા