પ્રકાશના પર્વ દીપાવલી અને નૂતન વર્ષની ઉજવણીના સુભગ અવસરે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ અવિરત અને સુદ્રઢ બની રહે તે હેતુથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સુરત ખાતેથી રાજ્યભરના આરોગ્ય કમિશનર,આરોગ્ય વિભાગની ટીમ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ,તમામ સિવિલ હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટ્સ તેમજ 108 એમ્બ્યુલન્સ સેવાના વડાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ હતી.મંત્રીએ રાજ્યના તમામ આરોગ્યકર્મીઓ અને તબીબોને પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
સઘન આયોજન કરવા પર વિશેષ ભાર મૂક્યો
તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા આગોતરૂ અને સઘન આયોજન કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એ જણાવ્યું હતું કે,તબીબી વ્યવસાય એ માનવસેવાનો પરમ ધર્મ છે.દીપાવલીના તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન રાજ્યમાં કોઈ પણ સ્થળે આકસ્મિક ઘટના કે મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે અત્યંત જરૂરી છે. આથી,મંત્રીએ તમામ તબીબો અને હેલ્થકેર સ્ટાફને વેકેશનના દિવસોમાં પણ સેવા અને સમર્પણની ભાવના સાથે તત્પર રહેવા અને પોતાની ફરજ પર હાજર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો.
