અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં 66 કેવી વીજ લાઈનના તાર ખેંચવાની કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પંથકના અસરગ્રસ્ત વિવિધ ગામોના અંદાજે 100 જેટલા ખેડૂતોએ એકત્ર થઈને જેટકો (GETCO) કંપની અને નાયબ કલેક્ટરને લેખિત તથા મૌખિક રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

રવિ પાકની કાપણી સુધી કામગીરી મુલતવી રાખવાની માગ

માંડલ તાલુકાના એંદલા 66 કેવી સબ-સ્ટેશનથી વિઠ્ઠલાપુર તરફ પસાર થતી વીજ લાઈનના તાર ચડાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. જોકે, હાલમાં ખેતરોમાં રવિ પાક ઉભો હોવાથી આ કામગીરીથી પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આથી, ખેડૂતોએ સ્પષ્ટ માગ કરી છે કે, જ્યાં સુધી રવિ પાકની સિઝનની કાપણી સંપૂર્ણપણે પૂર્ણ ન થાય, ત્યાં સુધી વીજ લાઈનની કામગીરી તાત્કાલિક અસરથી થોભાવી દેવામાં આવે.


છેલ્લા 3 વર્ષથી સિઝન નિષ્ફળ જતા ખેડૂતો આર્થિક ભીંસમાં

રજૂઆત દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી કુદરતી આફતો કે અન્ય કારણોસર ખેતીની સિઝન નિષ્ફળ જઈ રહી છે. સતત 3 વર્ષના નુકસાન બાદ આ વર્ષે સારા પાકની આશા બંધાઈ છે, ત્યારે જ વીજ લાઈનની કામગીરી શરૂ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આગામી 3 થી 4 મહિના સુધી આ કામગીરી મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી છે.


આ ગામના ખેડૂતો રહ્યા ઉપસ્થિત

આ રજૂઆતમાં માંડલ તાલુકાના રીબડી, સોલગામ, કુણપુર, શેર અને રખીયાણા સહિતના આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોએ તંત્રને ચેતવણીના સૂરમાં વિનંતી કરી છે કે, તેમના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી જગતના તાતને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે. જો તેમની માગ નહીં સંતોષાય તો ગાંધી ચિધ્યા માર્ગે મોટું ખેડૂત આદોલન કરવાની તૈયારી પણ સ્થાનિકોએ દર્શાવી છે.


આ પણ વાંચો: Ahmedabad Crime News: ઘાટલોડિયામાં ચરસ પાર્ટીનો પર્દાફાશ, ચરસ સાથે 5 શખ્સો ઝડપાયા